Site icon Revoi.in

પાટણ જિલ્લામાં વરસાદને અભાવે ખરીફ પાક સુકાઈ રહ્યો છે, કેનાલમાં પાણી છોડવા ખેડુતોની માગ

Social Share

પાટણઃ  રાજ્યમાં વરસાદ ખેંચાતા સૌથી વધુ વિકટ સિથિતિ ઉત્તર ગુજરાતની છે, જેમાં પાટણ જિલ્લાના ખેડુતો કેનાલમાં પાણી છોડવાની માગ કરી રહ્યા છે. જિલ્લાના સાંતલપુર તાલુકો માત્ર ચોમાસું આધારિત ખેતી પર નિર્ભર છે. જેને લઈ ચાલુ વર્ષે વરસાદ ન થતા તાલુકામાં ખેડૂતોના ખેતરો સૂકાવા લાગ્યા છે. પ્રથમ સામાન્ય વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલો પાક પણ સુકાવાની આરે આવી ગયો છે. જેથી ખેડૂતો નર્મદાની કેનાલોમાં સત્વરે પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.  સાથે ગામના તળાવો પણ ભરવામાં આવે જેથી પશુઓ અને ખેતી ઉપયોગી પણ બની શકે તેમ છે.

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો મુખ્યત્વે ચોમાસા પર આધારિત ખેતી પર નિર્ભર છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ખેડૂત તેમજ પશુપાલકો વસવાટ કરે છે. ત્યારે ચાલુ સાલે એકબાજુ વરસાદની ઘટ તેમજ બીજી બાજુ આ વિસ્તારમાં આવેલ નર્મદાની કેનાલોમાં પણ પાણી ન મળતા વાવેતરમાં મોટો ઘટાડો નોંધાવા પામ્યો છે. આ તાલુકામાં સરેરાશ વાવેતરની વાત કરીઓ તો 46 હજાર હેકટરમાં વાવેતર થાય છે. પણ ચાલુ વર્ષે વરસાદ ખેંચવાને કારણે આ વિસ્તારમાં માત્ર 26 હજાર હેકટરમાં જ વાવેતર થવા પામ્યું છે. એટલે કે વાવેતરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

પ્રથમ સામાન્ય વરસાદ વરસતા આ વિસ્તારના ખેડૂતોએ જમીનમાં વાવેતર કર્યું હતું. પરંતુ ત્યાર બાદ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ હાથ તાળી આપતા વાવેલ પાક મુશ્કેલીમાં આવી જવા પામ્યો છે. નર્મદાની કેનાલોમાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે પાક બચાવો તો કેવી રીતે તે વિમાસણમાં ખેડૂતો મુકાયા છે. નર્મદાની કેનલોમાં જૂન મહિનાના એન્ડમાં પાણી છોડવાનું બંધ કર્યું છે. એટલે કે છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી. વરસાદનો અભાવ વર્તતા હવે પશુઓના ઘાસ ચારા માટે પણ આગામી સમયમાં અછત સર્જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધી માત્ર 14 % જેટલોજ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ વરસાદ ન આવતા પશુઓ માટે વાવવામાં આવેલો ઘાસચારો પણ સુકાય રહ્યો છે. બીજીતરફ ખેડૂત ડીઝલ અને બિયારણના વધી રહેલા ભાવોથી પણ પરેશાન છે.

Exit mobile version