Site icon Revoi.in

જખૌના દરિયામાં માંગરોળની બોટ પર પાક. મરિન સિક્યુરિટી એજન્સીએ કર્યું ફાયરિંગ

Social Share

ભૂજઃ સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા માટે જતાં હોય છે. અને ઘણીવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક પહોંચી જતાં હોય છે. માછીમારો ભારતીય સીમા સમુદ્ર વિસ્તારમાં માછીમારી કરતા હોય ત્યારે પણ પાકની મરીન સિક્યુરિટી એજન્સી માછીમારોનું અપહરણ કરવાના પ્રયાસો પણ કરતા હોય છે. દરમિયાન અબડાસા તાલુકાના જખૌ દરિયામાં માંગરોળની બોટ પર પાકિસ્તાની મરિન સિક્યુરીટી એજન્સીએ ગુરુવારે સાંજે ફાયરીંગ કરતાં બોટ દરિયામાં ડૂબી ગઇ હતી,  જો કે  ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે ત્વરિત ધસી જઈને બોટમાં સવાર 8 માછીમારોને તાત્કાલિક બચાવી લીધા હતા. ઘાયલ માછીમારોને જખૌ પોલીસ મથકને સોપતાં મરિન પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. જોકે, દીવ અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક માછીમારોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્રમાં માછીમારોની સિઝન શરૂ થઇ છે. ભારતીય એજન્સીઓ દ્વારા માછીમારોની સુરક્ષા માટે પેટ્રોલીંગ સઘન બનાવાયું છે. દરમિયાન ગુરૂવારે સાંજે  માંગરોળની આઇએનડી જી.જે.11-એમએમ-3873, હરસિધ્ધિ-5 નામની માછીમારી બોટ જખૌ અને ઓખા તરફના અરબી સમુદ્રમાં ફિશિંગ કરી રહી હતી ત્યારે જખૌ નજીક પહોંચતાં પાકિસ્તાની મરિન સિક્યુરીટી દ્વારા બોટ પર ફાયરીંગ કરવામાં આવતા માછીમારોની હરસિદ્ધિ બોટએ જળ સમાધી લીધી હતી. આ બનાવની જાણ થતાં જ પેટ્રોલીંગમાં રહેલી ઓખા કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને બોટમાં સવાર સાત ખલાસીઓને બચાવી લીધા હતા. જેમાં વણાકબારા-દીવના અમરશી માવજી બામણીયા (ઉ. વ.35), પ્રકાશ માવજી બામણીયા (ઉ.વ.24),  કૃણાલ વિનોદ બામણીયા (ઉ.વ.22), કૃણાલ વિનોદ બામણીયા (ઉ. વ.23), પ્રેમ વીરા બામણીયા (ઉ.વ. 22), કાંધીપડા – ઉનાના કાળુભાઈ ગોબરભાઈ સાંખળ (ઉ.વ.27), કોડીનાર-ગીર સોમનાથના મહેશ માનસિંગ વાજા (ઉ.વ.27), ચિત્રવાડા-ગીર સોમનાથના મહેન્દ્ર ભીખાભાઇ મકવાણા (ઉ.વ.37) નામના ઘાયલ તમામ માછીમારોને બચાવીને ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે સારવાર માટે જખૌ પોલીસ મથકને સુપ્રત કર્યા હતા. જખૌની મરીન એજન્સીએ પટ્રોલિંગ સઘન બનાવ્યું છે. (file photo)