Site icon Revoi.in

ચક્રવાતને લઈને એલર્ટ જારી, આ રાજ્યોમાં ફરી આવશે હીટ વેવ,જાણો તમામ રાજ્યોના હવામાનની સ્થિતિ

Social Share

દિલ્હી:ભારતીય હવામાન વિભાગે શનિવારે જાહેરાત કરી છે કે,બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન ઓડિશા અથવા આંધ્ર પ્રદેશમાં દસ્તક નહીં આપે, પરંતુ દરિયાકાંઠે સમાંતર આગળ વધશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે,ચક્રવાત ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ વળશે અને ઉત્તર આંધ્ર-ઓડિશા કિનારેથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે.મહાપાત્રાએ કહ્યું કે,તે હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં કિનારા તરફ આગળ વધી રહ્યું છે.તે 10 મેની સાંજ સુધી તે દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને પછી દરિયાકાંઠે સમાંતર આગળ વધશે.

તેમણે કહ્યું કે,તેના પ્રભાવ હેઠળ ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ – ગંજમ, ગજપતિ, ખુર્દા, જગતસિંહપુર અને પુરીમાં 10 મેની સાંજ પછી હળવાથી મધ્યમ વરસાદ પડશે. IMD મુજબ, 10 મેની સાંજે તટીય ઓડિશામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગજપતિ, ગંજમ અને પુરીમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજા દિવસે ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટકમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.માછીમારોને 9, 10 અને 11 મેના રોજ ઊંડા સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, 8 થી 11 મે દરમિયાન હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિભાગમાં ‘લૂ’ પ્રવર્તે તેવી શક્યતા છે. તે જ સમયે, 10 મેથી દિલ્હીમાં હીટ વેવની સ્થિતિ બની શકે છે. આ સિવાય યુપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે પરંતુ લૂ થી રાહત મળશે.

આગામી 48 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આંદામાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ વધુ ખરાબ થશે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળના ભાગો, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.તેમજ પશ્ચિમ હિમાલય, ઓડિશા, આંધ્ર પ્રદેશ રાયલસીમા અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે.ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ધીમે ધીમે મહત્તમ તાપમાન વધશે, જે અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ તરફ દોરી જશે.