Site icon Revoi.in

બિપરજોય વાવાઝોડાએ મોંઘવારી વધારી, શાકભાજીના ભાવમાં બમણો વધારો ઝીંકાયો

Social Share

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાએ મોંધવારી પણ વધારી છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે હાલ મોટાભાગના વાડી ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં  લીલા શાકભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. ભાવવધતા ગૃહણીઓએ પણ હાલપુરતી  ખરીદી ઓછી કરી છે.  લીલા શાકભાજીના ભાવોમાંપ્રતિ કિલો  રૂ.30 સુધીનો વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લીધે કોથમીર સહિતની વિવિધ લીલી ભાજીઓની બજારમાં આવક ઓછી આવી હતી. વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે હજુ ખેતરો અને વાડીઓમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી લીલા શાકભાજીની આવક ઘટી ગઈ છે, ઉપરાંત બહારના રાજ્યોમાંથી શાકભાજીની આવક પણ વરસાદને કારણે બંધ થતાં શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થયો છે. કોથમીર હોલસેલ માર્કેટમાં કિલો રૂ.50 અને રિટેઈલ માર્કેટમાં રૂ.110 કિલો, પાલક કિલો રૂ.35 અને રિટેઈલમાં રૂ. 80, મેથી કિલો રૂ.40 અને રિટેઈલમાં રૂ.80, ફુદીનો રૂ.35 કિલો અને રિટેઈલમાં રૂ. 85 કિલો થઈ ગયો છે. જયારે રિટેઇલમાં ટામેટાં, દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.10થી 30 સુધીનો વધારો થયો હતો. જેમાં ભીડા કિલો રૂ.80, ટીડોડા કિલો રૂ.95, તુરીયા કિલો રૂ.75, દેશી કાકડી કિલો રૂ.80, કારેલા કિલો રૂ.75 થઈ ગયો છે, આમ લોકો પર મોંધવારીનો માર વધી ગયો છે.

અમદાવાદ શહેરના જમાલપુર શાક માર્કેટના વેપારીઓના કહેવા મુજબ બિપોરજોય વાવાઝોડાને લીધે કોથમીર સહિતની વિવિધ લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આમ આવક ઘટતા ભાવમાં વધારો થયો છે.

Exit mobile version