Site icon Revoi.in

વાવાઝોડાનું સંકટઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાવવાની શકયતા

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાશે, તેમજ દરિયો તોફાની બનવાની સાથે 60થી 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. બે વર્ષ ગાઉ તાઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. રાજ્ય ઉપર ફરી એકવાર વાવાઝોડાનુ સંકટ તોડાઈ રહ્યું છે જેથી વહીવટી તંત્રને સાબદા રહેવા માટે સુચના આપવામાં આવી છે. રાજ્યના તમામ બંદરોમાં 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, એટલું જ નહીં માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરવામાં આવી છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ગુજરાતથી લગભગ 1120 કિમી દૂર લો-પ્રેશર સિસ્ટમ ઉભી થઈ છે. વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. એને લઈ દરિયાઈ વિસ્તારનાં ગામોને એલર્ટ કરી દેવાયાં છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9-10 જૂને અસર દેખાવાની શક્યતા ડિઝાસ્ટર વિભાગે વ્યક્ત કરી છે. ડિઝાસ્ટર વિભાગે કામરેજમાં SDRFની એક ટીમ સ્ટેન્ડ બાય કરી દીધી છે. સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાચીથી 1410 કિમી દક્ષિણ કેન્દ્રિત છે.