Site icon Revoi.in

ભાદર નદીના પાણી ઘેડના કાંઠા વિસ્તારમાં ભરાતા ખેતીના પાકને નુકશાન

Social Share

 પોરબંદરઃ  સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ, જુનાગઢ અને પોરબંદર વિસ્તારમાં ભારે વરસાદને કારણે તમામ ડેમો ઓવરફ્લો થયા છે.  રાજકોટ અને જુનાગઢ સહિત ઉપરવાસના જિલ્લામાંથી પાણી છોડવામાં આવતા પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ફરી વળતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરના ઘેડ પંથકમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે ઘેડ વિસ્તારના મુખ્ય દ્વાર સમા પસવારી ગામેથી નીકળતી ભાદર નદી પર બેઠા પુલના કારણે સ્થાનિકો સહિત આસપાસના વિસ્તારના ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. પસવારી ગામે ભાદર નદી પર આવેલા બેઠા પુલના કારણે નદીમાં આવતા જાળી-જાળખા ફસાઈ જતા નદીના પાણી કાંઠા વિસ્તારમાં પ્રસરી જતા ખેડૂતોના મહામુલો પાક નિષ્ફળ નિવડ્યો  છે.  આ મુદ્દે પોરબંદર જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા પણ પુલ ઊંચો લેવા માટે અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ કામગીરી ન કરાતા ખેડુતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં ભાદર નદીના પાણી છોડવામાં આવતા ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. ત્યારે ઘેડ વિસ્તારના પ્રવેશદ્વાર સમા પસવારી ગામથી નીકળતી ભાદર નદી પર પાણી ફરી વળતા ઘેડ વિસ્તારના ગામોનો સંપર્ક ખોરવાઈ જતો હોય છે. પૂરના પાણી છોડવામાં આવતા પસવારીના બેઠા પુલ પરથી 10-15 ફૂટ ઉપર થઈને પાણી જતા હોય છે. ત્યારે પૂરના પાણીના કારણે પોરબંદર અને કુતિયાણાને જોડતો આ મુખ્ય માર્ગ બંધ થતા હોસ્પિટલ જેવી ઈમરજન્સી જેવી સ્થિતિમાં પણ લોકોએ પાણી ઓસરે તેની રાહ જોવી પડે છે. ઘેડ વિસ્તારના ગામના સ્થાનિકો દ્વારા પુલને ઊંચો લેવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે આ પુલના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા કરોડો રૂપિયાની નુકશાની પણ સહન કરવી પડી રહી છે.