Site icon Revoi.in

જગમાં ભરેલા પાણીને ઠંડુ રાખવા માટે લિક્વિડ નાઈટ્રોજનના ઉપયોગથી લોકોના આરોગ્ય સામે ખતરો

Young woman drinking pure glass of water

Social Share

અમદાવાદઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં મોટાભાગના લોકો ઠંડુ પાણી પીતા હોય છે. જેમાં લગ્ન સમારોહ, કે કોઈ કાર્યક્રમમાં  ઠંડા પાણી ભરેલા જગ લાવવામાં આવતા હોય છે. એટલું જ નહીં ઘણીબધી ઓફિસો દ્વારા પણ ઠંડા પાણીના જગ મંગાવવામાં આવતા હોય છે. આકરી ગરમીને કારણે  ઠંડા પાણીના જગ અને બોટલોની ડિમાન્ડમાં પણ વધારો થાય છે. ઓફિસો, દુકાનો અને જાહેર પરબો પર પણ આવા ઠંડા પાણીના જગ મૂકવામાં આવે છે. આ પાણી સ્વાસ્થ્ય માટે કેટલું સારુ કે ખરાબ એ વાત લોકો જાણતા નથી. જેથી આ પાણી આરોગ્ય માટે જોખમી હોવાની રજૂઆત સરકારને કરવામાં આવી છે. એવી ફરિયાદો સામે આવી છે કે, વોટર પ્લાન્ટમાં પાણીને ઝડપથી ઠંડુ કરવા માટે લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદની પર્યાવરણ સાધના નામની સંસ્થા દ્વારા મુખ્યમંત્રી, પર્યાવરણ મંત્રી, આરોગ્ય મંત્રી ઠંડા પાણીના જગ અને બોટલોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ,  વોટર પ્લાન્ટમાં પાણીને ઝડપથી ઠંડુ કરવા માટે લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. આવા પાણીના પ્લાન્ટ ચલાવતા માલિકો અને સપ્યાલરો ખૂબ જ ઓછા ભાવે પાણીના ઠંડા જગ કે બોટલોની ડિલીવરી કરતા હોય છે. પરંતુ જ્યાંથી આ પાણીના બાટલા કે જગ ભરવામાં આવે છે ત્યાં પાણી શુદ્ધ કરવાની કોઈ મશીનરી હોતી નથી. બીજી તરફ, આવા પાણીનું ક્યારેય સરકારી તંત્રો દ્વારા પરિક્ષણ કરવામાં આવતુ નથી. એટલું જ નહીં આ પાણીમાં બેક્ટેરિયાનો ગ્રોથ ખૂબ વધુ હોવાનો પણ દાવો કરાયો છે. સાથે જ પાણીને ઝડપથી ઠંડુ કરવા માટે તેમાં લિક્વિડ નાઈટ્રોજનના ટીપા નાખવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ એક એસિટિક કેમિકલ છે અને તેનો ઉપયોગ ફ્રીઝ અને એસીમાં ઠંડક માટે કરવામાં આવે છે.

અમદાવાદની પર્યાવરણ સાધના નામની સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે, પ્લાન્ટની જગ્યાએ સફાઈનો પણ અભાવ હોય છે. નગરપાલિકા કે મહાનગરપાલિકામાં આવા પ્લાન્ટની નોંધણી કરવાની પણ કોઈ જોગવાઈ નથી. પાણીના જગ કે બાટલા પર કોઈ લેબલ પણ હોતા નથી. ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું કોઈ પાલન થતુ નથી. સમગ્ર રાજ્યમાં આવા પાંચ હજારથી પણ વધુ પ્લાન્ટ ધમીધમી રહ્યા હોવાનો આક્ષેપ છે. જેથી આ બાબતને સરકાર ધ્યાને લે એવી અપીલ પણ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પાણીની બોટલો અને જગના અનેક પ્લાન્ટ આવેલા છે. મોટાભાગની પ્રાઈવેટ ઓફિસો અને દુકાનોમાં આવા ઠંડા પાણીના જગ અને બોટલો સપ્લાય કરવામાં આવે છે. ત્યારે પાણીને ઠંડુ કરવા માટે તેમાં લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ છે. જે સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેથી વોટર પ્લાન્ટમાં આ મામલે તપાસ કરવામાં આવે અને ઠંડા પાણીના જગ તથા બોટલો પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી રજૂઆત સરકારને કરવામાં આવી છે.