Site icon Revoi.in

ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાશે, 20,000 હેક્ટરમાં થાય છે, જૈવિક ખેતી

Social Share

આહવાઃ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર થવા જઈ રહ્યો છે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજય સરકાર દ્વારા આગામી 19મી નવેમ્બરે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરાશે. ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે. છેલ્લા 2 વર્ષથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા પ્રયાસ હાથ ધરાતા જિલ્લાના 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેકટર જમીનમાં આ પ્રકારની ખેતી કરે તેવા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. ડાંગમાં અત્યારે આશરે 19,600 હેકટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે.

રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લાને ‘પ્રાકૃતિક જિલ્લા’ તરીકે 19મી નવેમ્બરે જાહેર કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાજયપાલોની ગવર્નર્સ કોન્ફરન્સ-2021નું આયોજન કર્યુ હતું. આ આયોજનમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજયમાં થતી પ્રાકૃતિક કૃષિ વિશેષતા રજૂ કરી હતી. આચાર્ય દેવવ્રત ગુજરાતમાં રાજયપાલ તરીકે નિયુકત થતા જ તેમણે રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત રાજય સરકાર દ્વારા સમારોહ યોજીને આગામી ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે. ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો રાસાયણિક ખાતરથી ખેતી કરે તો તેમને ખર્ચ થાય છે,આ કૃષિમાં ખાતર ખેડૂતો દેશી ગાયના છાણ-ગૌમુત્રથી તૈયાર થતું હોવાથી જીરો બજેટથી ખેતી થશે તેવો રાજય સરકાર દાવો કરે છે. ઉપરાંત રાસાયણિક ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, જે આ ખેતીમાં ઘટશે નહીં. પ્રાકૃતિક કૃષિથી બે વર્ષમાં જમીન ફળદ્રુપ થઇ જતી હોવાથી પાક ઉત્પાદન વધે છે. પાક રાસાયણિક ખાતર વગરનો હોવાથી તેનો બજાર કિંમત વધારે મળે છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે એટલે બજેટ વધુ ફાળવાશે. ચાલુ નાણાંકીય વર્ષમાં રાજયમાં પ્રાકૃતિક કૃષિ માટે રૂ. 225 કરોડનું બજેટ ફાળવાયું હતું..