Site icon Revoi.in

ગાંધીનગરના સેક્ટર 21માં કારચાલકે સ્પીડમાં ટર્ન લેતા કારની અડફેટે એક્ટિવાચાલક વિદ્યાર્થિનીનું મોત

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરના સેક્ટર-21 પોલીસ મથકની નજીક વળાંક પાસે અચાનક કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ટર્ન લેતા એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બીએસસીબીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગરમાં સેક્ટર 21માં પૂર ઝડપે ટર્ન લેતા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા  કારે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવાચાલક યુવતીનું મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીનગરના કોબા શુભ પાયોનીયર મકાન નંબર-એ /502માં રહેતા ધનેશ રામાશ્રય રાયે સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ત્રણ ભાઈઓ પૈકી મોટા ભાઈ ધનંજય રાયનું એક વર્ષ અગાઉ અવસાન થયું હતું. જેમના પરિવારમાં પત્ની સવિતાબેન અને બે દીકરીઓ અવંતી અને અદિતિ હતી. જેઓ ત્રણેય માં-દીકરી સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહે છે.  20 વર્ષીય અદિતિ ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી આઈઆઈટીમાં બીએસસીબીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. બપોરના સમયે અદિતિ સ્કુટર લઈને ઘરેથી સેક્ટર-21માં જઈ રહી હતી. ત્યારે ચ-5થી છ-5 સર્કલ વચ્ચે સેક્ટર-21 પોલીસ મથકની નજીક કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારીને અચાનક ટર્ન માર્યો હતો. જેના કારણે સ્કુટરને ટક્કર વાગવાથી અદિતિ રોડ ઉપર પટકાઈ હતી. જેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બનાવની જાણ થતાં ધનેશભાઈ પણ સિવિલ દોડી ગયા હતા. જ્યાં માલુમ પડ્યું હતું કે અદિતિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ લઈ જવાઈ છે. આથી ધનેશભાઈ અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમની ભત્રીજી અદિતિને સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ અંગે ધનેશભાઈની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.