Site icon Revoi.in

ગુજરાતી લોકસાહિત્યમાં જાણીતા એવા કવિ દાદનું નિધન

Social Share

રાજકોટ: ગુજરાતના લોકસાહિત્ય જગતમાં પોતાની કવિતા, ગીતો અને ભજનોથી નામના મેળવનાર કવિદાદનું નિધન થયું છે. ગુજરાતના ચારણી લોક સાહિત્યને ધબકતું રાખનાર અને ગુજરાતીઓ જેમના લખેલા ગૌરવવંતા ગીતો, કવિતાઓ અને ભજનો ગાઇ દુનિયા ગુંજવી રહી છે.

ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ, ફિલ્મ કલાકાર સ્વ. મહેશ-નરેશ કનોડિયા અને સાહિત્ય ક્ષેત્રે ચારણી સાહિત્યના કવિ શ્રી દાદ (KAVI DAAD) ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવતું રાખવાનો ખુબ જ પ્રયાસ કર્યો છે, અને તેનું પરિણામ આજે યોજાતા પ્રત્યેક ડાયરાઓમાં દેખાય આવે છે, કેમ કે કોઈ ડાયરો કે કોઈ કલાકાર એવો નહિ હોય જે કવિ દાદની રચનાઓ ગાતા નહિ હોય. આમ તો કવિ દાદે ૧૪-૧૫ વર્ષની ઉમરે કવિતા બનાવવાનું શરુ કર્યું હતું, તેમના મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો, અને ત્યાર પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછી કવિ દાદે સાહિત્ય ક્ષેત્રે ક્યારેય પાછું વાળીને જોયું જ ન હતુ.

1975 માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીના વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગ્યો.. ‘અને ફિલ્મ શેઠ શગાળશા નું “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું” ગીત આજે પણ ખુબ જ લોકપ્રિય છે.