- મોરોક્કોમાં ભૂકંપએ મચાવી તબાહી
- મૃત્યુઆંક 2800ને પાર થયો
- 2,562 લોકો થયા ઘાયલ
દિલ્હી: મોરોક્કોમાં શુક્રવારે આવેલા 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 2800ને વટાવી ગયો છે. અલ જઝીરાએ આ અહેવાલ આપ્યો છે. બચી ગયેલાઓને શોધવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.અલ જઝીરા અનુસાર શુક્રવારના ભૂકંપ બાદ સ્પેન, બ્રિટન અને કતારની ટીમો પણ મોરોક્કોમાં રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી દક્ષિણ-પશ્ચિમમાં 72 કિલોમીટર દૂર હતું. સરકારી ટેલિવિઝન અનુસાર, મૃત્યુઆંક વધીને 2,862 થઈ ગયો છે, જ્યારે 2,562 લોકો ઘાયલ થયા છે.
બચાવ કાર્યકરોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પરંપરાગત માટીની ઈંટોની ઈમારતો સામાન્ય છે, જેના કારણે બચી ગયેલા લોકોને શોધવાની શક્યતા મર્યાદિત થઈ ગઈ હતી કારણ કે તે ઈમારતો નાશ પામી હતી.
ભૂકંપના કારણે મરાકેશથી 60 કિલોમીટર દૂર આવેલા પહાડી ગામ તફેઘાધતેની લગભગ દરેક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. નાગરિક બચાવ ટુકડીઓ અને મોરોક્કન સૈન્ય કર્મચારીઓ બચી ગયેલા લોકો અને મૃતકોના મૃતદેહોની શોધ કરી રહ્યા છે.
આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુખી છું. મારા વિચારો આ દુઃખદ સમયે મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થઈ જાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.”