Site icon Revoi.in

મોઝામ્બિકમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વઘીને 97 ઉપર પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વેમાં મોઝામ્બિકના ઉત્તરી કિનારે રવિવારે ‘ફ્લોટિંગ બોટ’ દુર્ઘટનામાં 90 થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક ઓનલાઈન આઉટલેટ ટીવી ડીયારિયો નામપુલા અનુસાર, બોટમાં 130 લોકો સવાર હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 97 ઉપર પહોંચ્યો છે.

આઉટલેટ પ્રસારણ મુજબ, આ બોટ દેશના ઉત્તરમાં નામપુલા પ્રાંતમાં લુંગા અને મોઝામ્બિક ટાપુની વચ્ચે ચાલી રહી હતી ત્યારે તે અચાનક પલટી ગઈ. સોમવારે પણ બચાવ કાર્ય ચાલુ છે. બોટના કેટલાક મુસાફરો મેળામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. કોલેરા ફાટી નીકળ્યાના સમાચારથી ગભરાઈને, અન્ય લોકો આ બોટમાં મુસાફરી કરી રહ્યા હતા અને અન્યત્ર જઈ રહ્યા હતા. નામપુલા પ્રાંતના રાજ્ય સચિવ જેમે નેટોએ જણાવ્યું હતું કે, કથિત કોલેરા ફાટી નીકળવાની ખોટી માહિતીને કારણે લોકો ગભરાઈ ગયા હતા અને બચવાના પ્રયાસમાં બોટમાં સવાર થઈ ગયા હતા. સામાન્ય રીતે આ બોટનો ઉપયોગ માછીમારી માટે થાય છે.

મોઝામ્બિકના ઉત્તરીય પ્રાંત નામપુલાના પ્રશાસક સિલ્વિરો નાઉટોએ જણાવ્યું હતું કે કોલેરા ફાટી નીકળવાની ખોટી માહિતીને કારણે 130 મુસાફરો આરોગ્ય સંભાળ માટે અન્યત્ર ભાગી રહ્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અન્યની શોધ ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે બોટને સફર કરવામાં મુશ્કેલી પડી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે 91 અને સોમવારે છ મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને દફનાવવાનું કામ ચાલી રહ્યું છે. મોઝામ્બિક જાન્યુઆરીથી તેના ઉત્તરીય પ્રદેશમાં કોલેરાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આરોગ્ય સંકટની અસર પડોશી દેશો જેમ કે ઝામ્બિયા અને માલાવી પર પણ પડી છે.