Site icon Revoi.in

ડીસામાં પોલીસે રાહદારીનો થેલો તપાસતા સાડા પાંચ કિલો ગાંજો મળી આવ્યો

Social Share

ડીસા : સરહદી જિલ્લો બનાસકાંઠા હવે નશીલા પદાર્થોનો પ્રવેશ માર્ગ બની રહ્યો છે. અગાઉ હિમાચલ પ્રદેશના યુવક પાસેથી હેરોઇન ઝડપાયા બાદ  ડીસા શહેર ઉત્તર પોલીસે 5 કિલો અને 766 ગ્રામ ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને દબોચી લીધો હતો. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનથી મોટી માત્ર દારૂની સાથે સાથે હવે ગાંજો પણ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં હોળી અને ધૂળેટીના તહેવારને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસ ફૂટ પેટ્રોલીંગ શરૂ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ડીસા શહેરમાં આવેલી શિવનગર પોલીસ ચોકી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતો હતો. જેથી પોલીસે આ શખ્સને રોકી તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને આ થેલામાથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. શખ્સ પાસેથી મળી આવેલો ગાંજાનો જથ્થાનું વજન 5 કિલો અને 766 ગ્રામ જેટલું થાય છે. તેની અંદાજિત કિંમત 57,600 રૂપિયા જેટલી થાય છે. પોલીસે ગાંજા સાથે ઝડપી પડેલા શખ્સનું નામ મહાદેવરામ જસરામ મેઘવાળ હોવાનું જાણવા મળ્યુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડીસામાંથી ઝડપાયેલો શખ્સ રાજસ્થાન જાલોર જિલ્લાના સાયલા તાલુકાના બાવતરા ગામનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મહાદેવરામ પાસેથી ગાંજા સહિત મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 61,010 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ અત્યારે ગાંજાનો આ જથ્થો ક્યાથી લાવવામાં આવી રહ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ ચલાવી રહી છે. ડીસા પોલીસે આરોપી મહાદેવરામ મેઘવાળ સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.