Site icon Revoi.in

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેઃ દક્ષિણ ગુજરાતમાં આભવા-ઉભરાટ ઓવરબ્રિજનું કામ ટુંક સમયમાં શરુ થશે

Social Share

અમદાવાદઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે અને આ કામગીરી ઝડપી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને લઈને રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આભવા-ઉભરાટના નવા બ્રિજ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ બ્રિજનું કામ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસના સભાખંડમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે તેમજ હજીરાથી ધુલિયા સુધીના નેશનલ હાઇવેના પ્રશ્નોના નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI) અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ-ધારાસભ્યો, સુરત, નવસારી, નર્મદા, વલસાડ અને તાપી એમ પાંચ જિલ્લાના કલેકટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં સંપાદનની જમીનો સંદર્ભે કોઈ અડચણ ઉભી ન થાય અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની સમયસર કામગીરી પૂર્ણ થાય એ માટે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. સંપાદનમાં થ્રી-એની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે થ્રી-ડીની કામગીરી આગામી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે એમ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું કે, આભવા ઉભરાટનો નવો બ્રિજ સાકાર થનાર છે, જેમાં સુરત અને નવસારી એમ બંને તરફની જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી ઝડપભેર બ્રિજનિર્માણનું કાર્ય શરૂ થઈ જશે.

(Photo-File)