નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) હાલમાં અતિશય ઠંડી, ગાઢ ધુમ્મસ અને ગંભીર વાયુ પ્રદૂષણના ત્રિવેણી સંગમનો સામનો કરી રહ્યું છે. સવારની શરૂઆત કાતિલ ઠંડી અને શૂન્ય વિઝિબિલિટી સાથે થાય છે, જ્યારે દિવસ ચઢતાની સાથે હવા એટલી ઝેરી બની જાય છે કે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 95 ટકા સુધી પહોંચી જતાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. 17 જાન્યુઆરીએ તાપમાન 6 થી 23 ડિગ્રી અને 18 જાન્યુઆરીએ 7 થી 23 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. મધ્યમ ધુમ્મસ યથાવત રહેશે.
હવાની ગુણવત્તા (AQI) ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીના પૂસા વિસ્તારમાં AQI 404 નોંધાયો છે, જે ‘અતિ ગંભીર’ શ્રેણીમાં આવે છે. દિલ્હીના નહેરુનગરમાં 399, ઓખલામાં 382, ચાંદનીચોરમાં 374, નોઈડાના સેક્ટર-1માં 361, સેક્ટર-116માં 356, ગાઝિયાબાદના લોનીમાં 405 અને વસુંધરામાં 407 એક્યુઆઈ નોંધાયું હતું.
ઠંડી અને પ્રદૂષણના આ બેવડા હુમલાની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. હોસ્પિટલો અને ક્લિનિક્સમાં શરદી, ખાંસી અને શ્વાસ સંબંધી સમસ્યાઓના દર્દીઓમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે, “બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને અનિવાર્ય સંજોગોમાં માસ્કનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ.” નિષ્ણાતોના મતે જ્યાં સુધી પવનની ગતિમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પ્રદૂષણ અને ધુમ્મસમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે.

