Site icon Revoi.in

જૈનોના યાત્રાધામ પાલિતાણાથી બ્રાંદ્રા સુધીની સાપ્તાહિકને બદલે દૈનિક ટ્રેન દોડાવવા માંગ

Social Share

ભાવનગરઃ જૈનોના યાત્રાધામ પાલિતાણામાં દેશભરમાંથી રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. જેમાં મંબઈથી આવનારા યાત્રિકોની સંખ્યા વધુ હોય છે. ત્યારે પાલિતાણા બ્રાન્દ્રા વચ્ચે હાલ સાપ્તાહિક ટ્રેન દોડી રહી છે. તેને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેન દૈનિક દોડાવવામાં આવે તો ટ્રાફિક પણ સારા પ્રમાણમાં મળી રહે તેમ છે.

પાલિતાણામાં જૈન સમાજનું પવિત્ર યાત્રાધામ છે, અને સમગ્ર દેશ-વિદેશમાંથી જૈન સમાજના ભાવિકો  નિયમીત યાત્રાએ આવતા હોય છે. ગુજરાતની બહાર જૈન સમાજનો મોટો વર્ગ મુંબઇમાં સ્થિર થયેલો છે, મુંબઈના યાત્રિકોને પાલિતાણાની યાત્રા માટે પરિવહનની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા ટ્રેન છે પરંતુ તે સાપ્તાહિક છે, આ ટ્રેનને દૈનિક કરવામાં આવે તો મુંબઇથી સીધુ પાલિતાણા આવી-જઇ શકાય તેમ છે. ભાવનગર-બાંદ્રા ટ્રેન દૈનિક છે અને મુંબઇ-ભાવનગર વચ્ચેના સતત ટ્રાફિકને કારણે આ ટ્રેન સરેરાશ દરરોજ તેની ક્ષમતાથી વધુ બૂક થાય છે. તેથી મુંબઇના જૈન યાત્રિકોને ભાવનગર અને પાલિતાણા આવવા-જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલિતાણા-બાંદ્રા વચ્ચે સીધી ટ્રેન છે પરંતુ તે સાપ્તાહિક છે, અને આ ટ્રેન હંમેશા મુસાફરોથી ભરેલી હોય છે. ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં પણ પાલિતાણા સંલગ્ન મુસાફરોની સંખ્યા વિશેષ હોય છે, આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પાલિતાણા જવા ઇચ્છુક મુસાફરોએ સોનગઢ સ્ટેશને ઉતરી અને ત્યાંથી સડકમાર્ગે પાલિતાણાનું વાહન શોધવું પડે છે. જો પાલિતાણા-બાંદ્રા ટ્રેનને દૈનિક બનાવવામાં આવે તો જૈન યાત્રિકોને મુંબઇથી સીધા પાલિતાણાની સગવડતા મળી શકે તેમ છે. કારતક મહિનાની પૂનમથી પાલિતાણામાં જૈન યાત્રિકોની આવન-જાવન વિશેષ સંખ્યામાં રહતી છે. જો પાલિતાણા-બાંદ્રા ટ્રેનને દૈનિક બનાવવામાં આવે તો જૈન યાત્રાળુઓને સીધી પાલિતાણાની ટ્રેન મળી રહે તેમ છે.  પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેનને દૈનિકમાં પરિવર્તિત કરવા માટે લાંબા સમયથી રજૂઆતો કરાઈ રહી છે, પરંતુ રાજકીય અગ્રણીઓ અને રેલવે તંત્ર દ્વારા ટ્રેનની સુવિધા પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બોટાદ-અમદાવાદ વચ્ચે ગેન કન્વર્ઝનને એક વર્ષ વીતી ગયા બાદ પણ ભાવનગર-બાંદ્રા ટ્રેન હજુપણ વાયા સુરેન્દ્રનગરથી ચલાવવામાં આવે છે. જો આ દૈનિક ટ્રેનને વાયા બોટાદ-ધંધુકાથી ચલાવવામાં આવે તો આ ટ્રેનમાં એક કલાકની મુસાફરીનો સમય અને ભાડામાં 20થી 70 રૂપિયાનો ઘટાડો કરી શકાય તેમ છે.