Site icon Revoi.in

ગુજરાતમાં ફિક્સ પગાર નીતિની પુનઃ સમીક્ષા કરવા સચિવાલય સ્ટાફ એસો.ની માગણી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ફિક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનું તેમજ સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનો ભંગ કરાતો હોવાથી સરકાર સામે જ અસંતોષ ઊભો થયો છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2006 થી વર્ગ-3 માટે નોકરીના પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગારની નીતિ અમલમાં લાવવામાં આવી છે. આ નીતિ સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતનો ભંગ કરતી હોવાથી સચિવાલય સ્ટાફ એસોસીએશન દ્વારા ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં પુનઃ સમીક્ષા કરી જરૂરી સુધારા કરવા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં પુનઃ સમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 કર્મચારીઓના સચિવાલય સ્ટાફ એસોસીએશન દ્વારા માંગ કરીને સૈદ્ધાંતિક વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે એસોસિયેશનનાં પ્રમુખ મહેશસિંહ વાઘેલાએ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કે, પ્રસ્તુત નીતિની નાબૂદી અંગે ઉચ્ચતમ ન્યાયાલયમાં હાલ દાવો ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સંવર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.

સચિવાલય સ્ટાફ એસો.ના સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલની કારમી મોંધવારીનાં સમયમાં ફિક્સ પગારદારમાં પરિવારનો નિર્વાહ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.  અને આ બાબત સામાજિક, આર્થિક અને માનસિક રીતે અત્યંત પીડાદાયક છે.આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ઉચ્ચ ન્યાયાલયના આદેશને માન્ય ગણી ઉચ્ચતમ ન્યાયાલયમાં રહેલા દાવાને પરત ખેંચી લે અથવા ઉચ્ચતમ ન્યાયાલય પ્રસ્તુત બાબતે પોતાનો આખરી ચુકાદો આપે ત્યાં સુધી સરકારની ફિક્સ પગારની નીતિ અન્વયે સરકારી નોકરીમાં દાખલ થયેલ ફિક્સ પગારના કર્મચારીઓના પગારની પુનઃસમીક્ષા થવી આવશ્યક છે.

સચિવાલય સ્ટાફ એસોના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યમાં પ્રવર્તમાન ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગારમાં નાણા વિભાગનાં તા.18/1/2017ના ઠરાવથી વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઉક્ત ઠરાવ થયા પછી ફિક્સ પગારની નીતિ અન્વયે છ વર્ષનો સમય પસાર થયા બાદ પણ કોઈ સમીક્ષા વિચારણા કરવામાં આવી નથી. આ ઠરાવ થયા બાદ ફિક્સ પગારના નાયબ સેક્શન અધિકારીનો પગાર રૂ.38,090 થયો, જ્યારે એ સમયે નિયમિત નાયબ સેક્શન અધિકારીનો પગાર અન્ય લાભો સહિત રૂ.46,275 થતો હતો. હાલની સ્થિતિએ ફિકસ પગારના નાયબ સેક્શન અધિકારીનો પગાર એ જ છે. જ્યારે નિયમિત નાયબ સેક્શન અધિકારીનો પગાર અન્ય લાભ સહિત રૂ.71,014 જેટલો થાય છે. આમ, વર્ષ 2017ની સાપેક્ષે હાલની સ્થિતિએ નિયમિત નાયબ સેક્શન અધિકારીઓના પગારમાં અંદાજીત 55% જેટલો વધારો થયેલ છે. જ્યારે ફિક્સ પગારના નાયબ સેક્શન અધિકારીના પગારમાં કોઈ જ વધારો કરવામાં આવેલ નથી.

Exit mobile version