Site icon Revoi.in

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થશેઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિનાનો સમય બાકી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આમ આમદમી પાર્ટીએ ભાજપની સ્ટાઈલથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. અને અરવિંદ કેજરિવાલ તો દર સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી બેઠકો મેળવશે તેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને પ્રદેશના અગ્રણી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પ્રદેશના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ બચાવી શકે તેવું મને લાગી રહ્યું નથી. તેમણે કહ્યું કે કેજરીવાલનું સંપૂર્ણ રાજકારણ મીડિયામાં ખોટા પ્રચારના દમ પર જ ટકેલું છે. જો તેમના ખોટા પ્રચારને હટાવી દેવામાં આવે તો તેમની પાસે જનતાને બતાવવા માટે કશું જ નથી. શીલા દીક્ષિત સરકારે દિલ્હીને એક સરપ્લસ બજેટવાળું રાજ્ય બનાવ્યું હતું પરંતુ ત્યારબાદ પણ કેજરીવાલ અહીંના લોકોને 200 યુનિ વીજળી ફ્રી આપી શક્યા નથી. ચોર દરવાજાનો ઉપયોગ કરતાં હવે જનતા પાસેથી આ છૂટ પરત લેવામાં આવી રહી છે.

કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બિલકુલ પડકાર ગણી રહી નથી. તેની તમામ દાવેદારી મીડિયામાં જ જોવા મળી રહી છે. તેઓ ગુજરાતમાં એટલા જ સફળ થઈ શકશે જેટલા ઉત્તરાખંડ અને ગોવામાં થયા હતા. ઉત્તરાખંડ અને ગોવામાં પણ તેઓ આ પ્રકારના દાવાઓ કરી રહ્યા હતા જાણે કે સરકાર તેમની જ બનવા જઈ રહી હોય પરંતુ થયું શું તે સૌ જાણે છે.? તેના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ ગઈ હતી. તેના મુખ્યમંત્રીપદનો ઉમેદવાર પણ ભાજપમાં જોડાઈ ગયો હતો. હિમાચલ પ્રદેશમાં પણ તેમના પક્ષપ્રમુખ ભાજપમાં ચાલ્યા ગયા છે. આવી જ હાલત ગુજરાતમાં થવાની છે.

Exit mobile version