Site icon Revoi.in

અબુધાબીમાં BAPS મંદિરના ભક્તો હવે કરી શકશે દર્શન, સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે

Social Share

નવી દિલ્હીઃ UAEના અબુધાબીમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ મંદિર એટલે કે BAPS હિંદુ મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.  મંદિર દરરોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રહેશે. આ મંદિર મિડલ-ઇસ્ટમાં આવેલું પ્રથમ હિંદુ મંદિર છે. જેનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.  અદ્ભુત સ્થાપત્ય અને કોતરણી સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું, BAPS મંદિર ગલ્ફ પ્રદેશનું સૌથી મોટું મંદિર છે. આ મંદિરને ભારત અને UAE વચ્ચે વધતા સંબંધોનું પ્રતીક પણ માનવામાં આવે છે.

27 એકર જમીનમાં બનેલા હિંદુ મંદિરની કિંમત અંદાજે 700 કરોડ રૂપિયા છે. આ મંદિર તેની વાસ્તુકલા અને ભવ્યતાને કારણે ખૂબ ચર્ચામાં છે. અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર ભારત અને UAE વચ્ચે કાયમી મિત્રતાના પ્રમાણપત્ર તરીકે ઊભું છે, જે સાંસ્કૃતિક સમાવિષ્ટતા, આંતરધર્મ સંવાદિતા અને સમુદાય સહયોગની ભાવનાનું પ્રતીક છે.

મંદિરનો શિલાન્યાસ 20 એપ્રિલ, 2019ના રોજ કરવામાં આવ્યો હતો.  એ સમયે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને 2015માં મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. અબુધાબીનું આ પ્રથમ હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેનું નિર્માણ પણ આ જ શૈલીમાં થઈ રહ્યું છે. મહત્ત્વનું છે કે,  UAEમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે, જે દુબઈમાં છે. જ્યારે અબુધાબીમાં બનેલું આ પહેલું મંદિર છે.