અમદાવાદઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. હાઈવે પર વાહનોનું ભારણ વધતું જાય છે. બીજીબાજુ ઘણાબધા વાહન ચાલકોમાં યોગ્ય ટ્રાફિક સેન્સ ન હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. સરકાર-પોલીસતંત્ર તેનો હલ કાઢવા વિવિધ પગલા લઈ જ રહી છે. જયારે હવે હાઈવે પણ આડેધડ ડ્રાઈવીંગ રોકવા માટે પગલા લેવાની તૈયારી કરવામાં આવી છે. ટ્રાફીક વિભાગનાં એડીશ્નલ ડીજીપી પિયુષ પટેલના કહેવા પ્રમાણે વાહન અકસ્માતો રોકવા માટે ટ્રાફિક સીસ્ટમમાં ધરખમ બદલાવની તૈયારી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સ્ટેટ ટ્રાફીક બ્રાંચને હાઈવે પર નિયમ ભંગ કરતા વાહનોને પકડવા માટે વધુ 40 ઈન્ટર સેપ્ટર વાહનો આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફીક નિયમનો ભંગ કરીને નાસી જતાં વાહન ચાલકોની પાછળ જઈને તેને પકડવાનો વ્યુહ છે. સુત્રોના કહેવા પ્રમાણે ટ્રાફીક કાર્યવાહી હવે સખ્ત કરવાનું નકકી થયુ છે. વાહન ચાલકો પાસે વાહનના દસ્તાવેજો નહી હોય તે સ્થળ પર જ ચલણ ઈસ્યુ કરાશે. ટ્રાફીક તંત્રનું એવુ માનવુ છે કે હાઈવે પર તો અકસ્માતો થાય જ છે પરંતુ શહેરને જોડતા હાઈવે પર શહેરોની ભાગોળે પ્રાણઘાતક અકસ્માતો ચિંતાજનક છે અને તે રોકવા માટે પણ ખાસ રણનીતિ નકકી કરવામાં આવી રહી છે.