Site icon Revoi.in

ગુજરાતમાં 49 ટોલનાકા પર વર્ષે 4520 કરોડની આવક છતાંયે નેશનલ હાઈવેની ભંગાર હાલત કેમ?

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 49 ટોલબુથ પરથી વાહનચાલકો પાસેથી 4520 કરોડ જેટલો વાર્ષિક તગડો ટોલટેક્સ વસુલવામાં આલે છે. છતાયે નેશનલ હાઈવેની ભંગાર હાલત જોવા મળી રહી છે. નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓને હાઈવે પર પડેલા ખાડાઓ પણ દેખાતા નથી. હાઈવે પર સાઈન બોર્ડના પણ ઠેકાણા હોતા નથી. હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધાવાનું કારણ ઊડાં ખાડાઓ પણ છે. હાઈવે  મરામતના કામો પર ધ્યાન આપવામાં આવતું નથી. તેમ હાઈવે ઓથોરિટી સામે આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓર્થોરીટીના ગુજરાતમાં 6635 કિ.મી.ના જુદા જુદા 38 રાષ્ટ્રીય ધોરી માર્ગ પર 49 ટોલ બુથ આવે છે. તાજેતરમાં ગુજરાતના તમામ 49 ટોલ ટેક્સના બુથ પર ભાવ વધારા જીંકવામાં આવ્યો છે. અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. ગુજરાતના નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા 14,000 કરોડથી વધારે ટેક્સની વસુલ કરાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટોલ ટેક્સની આવકમાં 60 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021-22માં ભારત દેશને નેશનલ હાઈવે પર કુલ રૂપિયા 34,742 કરોડની વસૂલાત થઈ છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી વર્ષ 2022-23માં ટોલટેક્ષથી 48028.22 કરોડ જેટલી માતબર રકમની આવક થઈ હતી. જેમાંથી પચાસ ટકા ટોલટેક્ષ તો માત્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તામીલનાડુના નેશનલ હાઈવે પર ટોલટેક્ષ પેટે વસૂલાત કરાઈ હતી

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં નેશનલ હાઈવેની હાલત બિમાર જેવી છે. નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં ગાબડા વાહન ચાલકો માટે અકસ્માતના ખાડા બની ગયા છે. ખાડાને લીધે ઓવરટેક કરનારા વાહન ચાલક અકસ્માતને નોતરે છે ત્યારે બેદરકાર નેશનલ હાઈવે ઓથોરિટી પ્રત્યે વાહન ચાલકોનો ભારે રોષ છે, અને હાઈવેને દુરસ્ત કરવાની વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે. લાખો રૂપિયાનો ટોલટેક્સ આ માર્ગો પર ઉઘરાવાય છે. પરંતુ માર્ગ પર ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે દર વર્ષે આ ખાડા અને માર્ગ રીનોવેશન નામે લાખો રૂપિયા વપરાય છે અને આ હાઈવે પર ગુણવત્તા વિહીન કામ થવાથી હજારો વાહન ચાલકોની મુશ્કેલીમાં મુકાય છે અને જીવલેણ અકસ્માતમાં માનવજીંદગી પણ હોમાઈ રહી છે. દર વર્ષે કરોડોનો ખર્ચ છતા પરિસ્થિતિ નથી બદલાતી, નેશનલ હાઈવે ઓથોરિટીની ઉંઘ ક્યારે ઉડશે ?