Site icon Revoi.in

દીલીપ સંઘાણીએ હાર્દિક પટેલને આપી વણમાગી સલાહ, ભાજપને વળગી રહેશે તો ફાયદો થશે

Social Share

અમરેલી: પાટિદાર અનામત આંદોલન સમિતિના એક સમયના મોભી ગણાતો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ એમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયો હતો. અને હાલ વિરમગામની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે. એક સમયે ભાજપની સરકારને ભીસમાં મુકનારા હાર્દિક પટેલ સામે પણ ભાજપના કેટલાક નેતાઓની નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન આજે સહકારી ક્ષેત્રના અગ્રણી અને ભાજપના નેતા દીલિપ સંઘાણીએ હાર્દિપ પટેલને વણમાગી સલાહ આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ભાજપની વિચારધારાને વળગી નહીં રહે તો તેને  ફાયદો નહીં નુકસાન થશે. જે ભાજપની વિચારધારા સાથે ન જોડાય તો તેવા નેતાને સસ્પેન્ડ પણ કરાય છે.

ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી હતી. તેમણે કહ્યુ કે, ભાજપની  વિચારધારાને વળગી નહીં રહે તો તેને નુકસાન થશે. ભાજપ વિચારધારા સાથે ન જોડાય તો સસ્પેન્ડ પણ કરાય. ભાજપની  વિચારધારા  સ્વીકારવાથી તેને ભાજપનો સભ્ય બનાવ્યો છે.  નહીં કે  પાટિદાર આંદોલનને કારણે તેને ભાજપમાં લીધો છે.  હાર્દિક માટે ભાજપનું ભવિષ્ય સારું છે,  પણ ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પાટિદાર અનામત આંદોલનને કારણે ભાજપ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે સમયે પાટિદાર સમાજમાં હાર્દિક પટેલનો પડ્યો બોલ જીલાતો હતો. તેની સામે રાજદ્રોહ સહિતના ગુનાઓ પણ નોંધાયા હતા. અને મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ હાર્દિક પટેલ વાજતે ગાજતે કોંગ્રેસમાં જોડાયો હતો. અને કોંગ્રેસ દ્વારા તેને પ્રદેશનો કાર્યકારી પ્રમુખ બવાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી. આમ પાટિદાર નેતા હાર્દિકને લીધે કોંગ્રેસને ફાયદો થયો હતો. ત્યારબાદ હાર્દિકની મહત્વાંકાંક્ષા વધી ગઈ હતી. અને તે પૂર્ણ ન થતાં તે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયો હતો. ભાજપે તેને વિરમગામની ટિકિટ આપી છે.