Site icon Revoi.in

ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી ડાંગર, મકાઇ અને બાજરીની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અંતર્ગત તા. 17-10-2022થી 31-12-2022 દરમિયાન ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ અને બાજરીની લઘુતમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરાશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે.

રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિના સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુંસાર ડાંગર માટે 98, મકાઇ માટે 67 અને બાજરી માટે 89  જેટલા કેન્દ્રો ખાતેથી ખરીદી કરાશે.  કેન્દ્ર સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ।.2,040 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ।. 2,060  પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ।. 1,962 પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ।. 2,350 પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા નોંધણી તા 01-10-2022 થી તા. 31-10-2022 સુધી કરાવવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન 7-12, 8-અ ની નકલ, નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે. ખેડૂતોએ તેમના પાકનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમા ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી. સરકારે ટેકાના ભાવ જાહેર કરતા ખેડુતોને રાહત થશે.  ખેડુતો 1લી ઓકટોબરથી નોંધણી કરાવી શકશે.