Site icon Revoi.in

ડીસા પંથક ખનીજચોરીનું હબ બન્યું, રાણપુર પાસે 5 ડમ્પર સહિત કરોડો રૂપિયાનો માલ સીઝ કરાયો

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ ખનીજ ચોરીનું દૂષણ બનાસકાંઠામાં જોવા મળી  રહ્યું છે. કહેવાય છે. કે, જિલ્લાનું કોઈ ગામ બાકી નથી કે જ્યાં ખનીજચોરી થતી ન હોય,  ત્યારે જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. ડીસાના રાણપુર પાસે બનાસનદીમાંથી મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ખનીજ માફિયાઓ પણ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગ સતર્ક બન્યું હતું. તે દરમિયાન ગત મોડી રાત્રે ડીસા પાસે બનાસ નદીમાંથી અડધી રાત્રે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જ ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. વાઘરોળ તેમજ દાંતીવાડા કોલોની પાસેથી સાદી રેતી ભરીને જતા ટ્રેલર રોકાવી તપાસ કરતા એક ટ્રેલરમાં રોયલ્ટી પાસ કરતા ત્રણ ટન રેતી વધુ ભરેલી હોવાનું જણાયું હતું. ત્યારબાદ આ અંગે વધુ તપાસ માટે ભૂસ્તર શાસ્ત્રી મધરાત્રે રાણપુર પાસેથી પસાર થતી બનાસ નદીમાં ઉતરી તપાસ કરતા રોયલ્ટી વાળા રેતી ભર્યા વગરના પાંચ ટ્રેલર મળી આવ્યા હતા. જ્યારે નદીમાં લીઝ વિસ્તારમાં પડેલી ત્રણ હીટાચી મશીનની પણ તપાસ હાથ ધરી હતી. જેમાંથી એક મશીન અને 5 ડમ્પર જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે સોંપ્યા હતા. મોડી રાત સુધી ભૂસ્તર વિભાગ અને તેમની ટીમ રોકાઈ હાજર લોકોના જવાબો લીધા હતા. તેમજ આજે ફરી વહેલી સવારથી ભૂસ્તર વિભાગની ટીમ રાણપુર નદી પહોંચી લીઝોની માપણી કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે ભૂસ્તર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે ચેકીંગ દરમિયાન રાણપુર પાસેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. જેમાં પાંચ ટ્રેલર અને એક હિટાચી મશીન જપ્ત કર્યા છે. હવે તમામ લીઝની માપણી કરી તપાસ કર્યા બાદ ડમ્પર માલિકો અને લીઝ માલિકને દંડ ફટકારવામાં આવશે