Site icon Revoi.in

રાજકોટ ઉદેપુરની ફ્લાઈટ 15મી ડિસેમ્બરથી બંધ કરાતા પ્રવાસીઓમાં નારાજગી

Social Share

રાજકોટઃ શહેરની ભાગોળે હીરાસર નજીક નવું ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ અનેક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. જેમાં  ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો દ્વારા થયેલી રજૂઆતોને પગલે રાજકોટથી ઉદયપુરની સીધી ફ્લાઈટ ગત ઓગસ્ટ માસમાં શરૂ થઈ હતી. જોકે, ફ્લાઈટ શરૂ થયાના ચાર મહિનામાં ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિન્ટર શેડ્યુલમાં એટલે કે 15 ડિસેમ્બરથી માર્ચ 2024 સુધી રાજકોટથી ઉદયપુરની સીધી ફ્લાઈટ બંધ રહેશે.

રાજકોટના ગ્રીન ફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં વિન્ટર શેડ્યુલમાં ફલાઈટ્સના ઉડાનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ઉદેપુરની સીધી ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સવારની એર ઇન્ડિયાની ફલાઇટ બે માસ બાદ પણ શરૂ થઇ નથી. ચેમ્બર ઓફ કામર્સ તેમજ વેપારી સંગઠનોની માગણી બાદ શરૂ કરાયેલી રાજકોટથી ઉદેપુરની સીધી ફ્લાઈટ 15મી ડિસેમ્બરથી બંધ થઇ રહી છે.  રાજકોટ ડેઇલી સવારે ઉડતી સીધી ઉદયપુરની ફલાઇટ 15મી ડિસેમ્બરથી વન સ્ટોપ મુંબઇ થઇ ઉડશે. ઇન્ડિગો એરલાઇન્સ કંપનીએ રાજકોટથી ઉદયપુરની ડેઇલી હવાઇ સેવા ગત તા.21મી ઓગસ્ટ-2023થી શરુ કરી હતી, જે આગામી તા.15 ડિસેમ્બરથી બંધ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉદેપુરની સીધી ફલાઇટના સ્થાને હવે વન સ્ટોપ મુંબઇ થઇ ઉદયપુર પહોંચી શકાશે. રાજકોટથી સવારે દિલ્હી જવા માટે એક પણ ફલાઇટ નહીં હોવાથી ઇન્ડિગો એર લાઇન્સ કંપનીએ સવારની દિલ્હી સેવા સાથે ડેઇલી હૈદરાબાદ અને કોલકાતા સેક્ટર શરુ કરવા સર્વે હાથ ધર્યો છે. આગામી દિવસોમાં ઇન્ડિગો એરલાઈન્સ કંપની સવારની ડેઇલી દિલ્હી સેવા શરુ કરવા એરપોર્ટ ઓથોરીટી પાસેથી સ્લોટ મેળવવા કાર્યવાહી કરશે.

ઈન્ડિગો એરલાઇન્સના અધિકારીના કહેવા મુજબ, વિન્ટર શિડ્યુલમાં વાતાવરણમાં ધુમ્મસને કારણે હવાઈ ઉડાનમાં ફેરફારો કરવાની ફરજ પડતી હોય છે. આ ઉપરાંત અલગ-અલગ ફ્લાઈટ્સનો સ્લોટ પણ જાળવવાનો હોય ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં રાખી રાજકોટથી ઉદયપુરની ફ્લાઈટ 15મી ડિસેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જે ફ્લાઈટ માર્ચ 2024 સુધી બંધ રહેશે.