Site icon Revoi.in

ગુજરાતમાં હવે સ્કૂલની જેમ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરાશેઃ રમતગમત મંત્રી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25માં કુલ રૂપિયા 8.71 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.  રમતથી યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે છે. એ જીત પર પણ હસી શકે છે અને હારને પણ પચાવી શકે છે. છેલ્લા 2 વર્ષમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં રાજયના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં 226  ગોલ્ડ, 188  સિલ્વર અને 223 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 637  મેડલ મેળવ્યા છે. હવે સ્કૂલની જેમ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ કોલેજો શરૂ કરાશે. DLSC કોલેજોથી વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની રમતોના ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી રમતગમતના ક્ષેત્રે કારકિર્દી બનાવી શકશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ દેશની પ્રગતિનો અને દુનિયામાં તેના સન્માનનો સીધો સંબંધ રમતગમત ક્ષેત્રની સફળતા સાથે જોડાયેલો છે. રમતગમત એ યુવાનોની ઉર્જાનો મુખ્ય સ્રોત હોય છે. રમતથી યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે છે. એ જીત પર પણ હસી શકે છે અને હારને પણ પચાવી શકે છે. જિંદગી જિંદાદીલીનું બીજું નામ છે એ વાત સ્પોર્ટ્સ આપણને શીખવે છે. એટલે જ કોઈ સ્પોર્ટ્સમેન ક્યારેય આત્મહત્યા નથી કરતો. એ જિંદગીના સંઘર્ષને જાણે છે અને માણે છે. ગુજરાતમાં એક વાઈબ્રન્ટ સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થાય અને ગુજરાતનો યુવાન તન, મન અને જીવનની સમૃદ્ધિને માણી શકે તે માટે આ વિભાગ સતત પ્રયાસરત છે. પહેલાના સમયમાં રમતગમત ક્ષેત્રે મેડલની વાત કરીએ તો ઝીરો, એક, બે વધુમાં વધુ ત્રણ એવા મેડલ મળતા. મેડલનો આંકડો ક્યારેય ડબલ ડીજીટમાં પહોચ્યો નહોતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મંત્ર આપ્યો, “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”. રમતગમત ક્ષેત્રે એક નવું કલ્ચર ઉભું કરવાના ધ્યેય સાથે તેમણે ખેલમહાકુંભ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડીએલએસએસ જેવા મહત્વના પ્રકલ્પો શરુ કર્યા. વડાપ્રધાને તે સમયે લીધેલ  સંકલ્પ આજે સિદ્ધિમાં પરિણમ્યો છે.

તેમણે કહ્યું હતું કે, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતે ગુજરાતમાં રમતગમતના વિકાસ માટે તથા ગુજરાતના બાળકો, યુવાનો રમતગમત પ્રત્યે સભાન બને અને શાળાકક્ષાએથી ખેલાડીઓની પ્રતિભા શોધ કરી છેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ મેળવે તે માટેનું એક સિસ્ટમીક માળખુ વિકસાવેલ છે. ગુજરાત, જીતશે ગુજરાત’ના સુત્ર સાથે વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. ત્યારે રાજ્યમાં 13 લાખ ખેલાડીઓથી શરૂ થયેલી યાત્રા વર્ષ 2023માં 55લાખ ખેલાદીઓ સુધી પહોંચી અને ચાલુ વર્ષે વર્સઃ 2024માં આ આંકડો 66 લાખે પહોંચ્યો છે, જે ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના સૂત્ર હવે સાકાર થયું હોવાની પ્રતિતી કરાવે છે.(File photo)