નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જૈશ-એ-મોહમ્મદના ‘ડોક્ટર મોડ્યુલે’ 32 કારોમાં વિસ્ફોટ કરી દેશભરમાં દહેશત મચાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે હરિયાણાના મેવાત તથા આસપાસના વિસ્તારોમાં 60થી વધુ વ્યક્તિઓનું સ્લીપર સેલ તૈયાર કરાયુ હતુ, જેમાં મોટા ભાગના લોકો મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે. પોલીસ હાલમાં વિવિધ વિસ્તારોમાં દબિશો ચલાવી રહી છે અને અત્યાર સુધી 25થી વધુ શંકાસ્પદોની ધરપકડ થઈ ચૂકી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર કાવતરાનો પર્દાફાશ જમ્મુ-કાશ્મીર પોલીસની સમયસૂચક કાર્યવાહીથી થયો હતો. રાજ્યમાં દેશવિરોધી પોસ્ટર લગાવવાના મામલે તપાસ શરૂ કરતા 5 નવેમ્બરે ડૉ. આદિલની ધરપકડ કરવામાં આવી હતી. આદિલ સહારનપુરના એક હોસ્પિટલમાં કાર્યરત હતો. તેની પૂછપરછમાં કાવતરાની કડીઓ ખુલતી ગઈ અને ત્યારબાદ મૌલવી ઇર્ફાન અહેમદની ધરપકડ કરવામાં આવી હતી. આદિલે જ ડૉ. શાહીન અને બીજા સંડોવણી ધરાવતા ડોક્ટરોના નામ પોલીસ સમક્ષ જણાવ્યા હતા. દરમ્યાન પોલીસ તપાસમાં 9 નવેમ્બરે ફરીદાબાદમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. જેથી દેશમાં મોટાપાયે ભાંડફોડનું કાવતરુ સામે આવ્યું હતું.
દિલ્હી પોલીસ સ્પેશલ સેલ મુજબ, મેવાતમાં 60થી વધુ યુવાનોનું ડૉ. શાહીને બ્રેનવોશ કરીને તાલીમ આપી હતી. મોટાભાગના લોકો અલ-ફલાહ યુનિવર્સિટી સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હાલ અનેક ટીમો તહેનાત કરી દેવામાં આવી છે જેથી ટ્રેન્ડ થયેલા તમામ સ્લીપર સેલ સભ્યોને પકડી શકાશે. સ્પેશલ સેલ, ક્રાઇમ બ્રાન્ચ, તમામ જિલ્લા પોલીસ સાથે CRPF અને RAFની ટીમોને પણ સુરક્ષા અને ઓપરેશનલ સપોર્ટ માટે તૈનાત કરવામાં આવી છે.

