Site icon Revoi.in

સુરતના ભેસ્તાનમાં 6 વર્ષના બાળક પર કૂતરાઓએ હુમલો કરીને 34 બચકા ભર્યાં, બાળકનું મોત

Social Share

સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં રખડતા કૂતરા વસતીમાં વધારો થયો છે. થોડા દિવસ પહેલા ખજોદામાં બાળકીને શ્વાને બચકા ભરી લેતા બાળકીનું મોત થયુ હતુ. તે સમયે મ્યુનિ.કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કરીને રખડતા કૂતરાનો ત્રાસ દૂર કરવાની માગણી કરી હતી. હજુ આ ઘટના શમી નથી ત્યાં રખડતા શ્વાનના ત્રાસથી વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. શહેરના  ભેસ્તાન વિસ્તારમાં રમી રહેલા 6 વર્ષીય બાળક પર શ્વાનનું ટોળુ તૂટી પડ્યુ હતુ. આ શ્વાનના ટોળાએ બાળકને આખા શરીરે કરડી ખાધો હતો. આ બાળકને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જો કે, આ બાળકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના વતની અને સુરતમાં મજુરી કરીને પરિવારનું  ગુજરાન ચલાવતા પારગી રસલુભાઈ ભેસ્તાનમાં આવેલા ફાયર સ્ટેશન પાસે કામ કરી રહ્યા હતા. ફાયર સ્ટેશન પાસે તેમનો 6 વર્ષીય પુત્ર સાહીલ રમી રહ્યો હતો. આ દરમિયાન  5થી 6 શ્વાનોનું ઝૂંડ સાહીલ પર તૂટી પડ્યુ હતુ અને સાહીલને આખા શરીરેથી કરડી ખાધો હતો. શ્વાનોએ સાહીલને પેટના ભાગથી મોઢા સુધી અંદાજીત 25 જેટલા બચકા ભર્યા હતા. શ્વાનના હુમલામાં સાહિલ બેભાન થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાહીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન સાહિલનું મૃત્યુ થયુ હતુ.  એકના એક પુત્રના મોતને કારણે સાહિલનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. શ્વાનના હુમલામાં કોઈ બાળકનું મોત થયુ હોય તેવો આ સુરતનો બીજો બનાવ છે. રખડતા શ્વાનના કારણે સાહિલના મોત બાદ નિંદરમાં ગરકાવ થઈ ગયેલુ તંત્ર મોડુ મોડુ જાગ્યુ હતુ અને ભેસ્તાન વિસ્તારમાં શ્વાન પકડવાની કામગીરી શરૂ કરી હતી. 6 વર્ષીય સાહિલના મોત બાદ મ્યુનિ.ના અધિકારીઓએ રખડતા શ્વાનને પાંજરે પુરવાના આદેશની અમલવારી શરૂ કરી હતી.
મૃતક બાળક સાહીલના સબંધીએ જણાવ્યુ હતુ કે, હું અને સાહિલના પિતા સુરત મ્યુનિ. દ્વારા બનાવતા RCCની સાઈટ પર હતા, જ્યારે સાહીલના માતા રેતી કપચી માટેની સાઈટના પ્લાન્ટ છે ત્યા હતા. જ્યારે સાહીલ બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે અચાનક સાહીલ પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. (file photo)

 

Exit mobile version