મુંદરા : દેશમાં કેટલાક મહિનાઓથી કન્ટેઈનરોની અછત અને ભાડા વધારાને લીધે નિકાસકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.કન્ટેનરના ભાડાંમાં આઠથી દસ ગણો તોતિંગ વધારો થતાં નિવાસી કાર્ગોને વહાણ મારફતે મોકલવાનો સિલસિલો ચાલુ થતાં ઉપેક્ષિત એવા વહાણવટા ઉદ્યોગને જાણે ઓકિસજન મળી ગયો છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તકના મુંદરા બંદર ઉપર વેઇટિંગમાં 22 વહાણ લાંગરેલા છે. આ જેટી ઉપર માત્ર બે જ પોઇન્ટ ઉપરથી લોડિંગની કામગીરી ચાલુ છે. આ બંદર ઉપરથી 32માંથી માત્ર છ વહાણ જ મુખ્યત્વે ચોખા અને ખાંડ લઇને નીકળી ગયા છે.
વિદેશમાં નિકાસ કરનારા નાના નિકાસકારોના જણાવ્યા પ્રમાણે `મુંદરાથી જબુટી બંદર ઉપર એક કન્ટેનરનું ભાડું 2400 ડોલર થાય. આ જ વસ્તુ વહાણ મારફતે નિકાસ થાય તો ભાડું 60 ડોલર થાય. કન્ટેનરમાં પ્રતિ 1 ટનનો ખર્ચ 100 ડોલર થાય જ્યારે વહાણમાં પ્રતિ 1 ટનના 25 ડોલર થાય, જ્યારે કન્ટેનર મુંદરાથી યુરોપ, લંડનના પેલીકસ્ટવ બંદર ઉપર સ્ટીમર મારફતે પહોંચે તો એક સમયે ભાડું 800થી 900 ડોલર હતું. જે વધીને અત્યારે આઠથી સાડા આઠ હજાર ડોલર થયું છે. ટૂંકમાં કન્ટેનર ભાડાંમાં આઠથી દસ ગણો વધારો થયો છે, પણ યુરોપીય દેશો સુધી વહાણ જઇ ન શકે. વહાણનો ટ્રાફિક માત્ર જબુટી, મોમ્બાસા, સોમાલિયા, યમન અને દુબઇ સુધી સીમિત રહે. મુંદરા બંદરેથી રોજનો 60 હજાર મે. ટન માલ નિકાસ થાય છે, મેરિટાઇમ બોર્ડ અને અદાણી બંદરેથી મુખ્યત્વે ચોખા અને ખાંડ ભરીને નિકાસ થતા વહાણો દરરોજ 60 હજાર ટન માલ વિદેશમાં લઇ જાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મેરી ટાઈમ બોર્ડ હસ્તકના બંદર ઉપર ટાંચા સાધનો અને માત્ર બે જ લોડિંગ પોઇન્ટ હોવાથી નિકાસની કામગીરી ધીમી ચાલે છે. વર્તમાન જેટીની પૂર્વ અને દક્ષિણ બાજુ જો ડ્રેજિંગ કરવામાં આવે તો વધારાના બે લોડિંગ પોઇન્ટનો વધારો કરી નિકાસ કામગીરીને ઝડપી બનાવી શકાય તેમ છે. બોર્ડ હસ્તકના બંદર ઉપર વહાણના ટ્રાફિકને 24 કલાક ચાલુ રાખવા ડ્રેજિંગની જરૂર છે. પણ લાંબા સમયની માગણી બોર્ડના સત્તાવાળા સ્વીકારતા નથી. રોજની એક કરોડ રૂા.ની ધીકતી આવક હોવા છતાં લોડિંગ – અનલોડિંગ પોઇન્ટમાં વધારો કરતા જ નથી. માંડવી બંદર ઉપર ઝીરો ટનનો ટ્રાફિક છતાં વહીવટી સ્ટાફ 8થી 10નો જ્યારે મુંદરા બંદર ઉપર વહીવટી સ્ટાફ માત્ર એકનો છે. (file photo)