Site icon Revoi.in

DRDOએ રાત્રે કર્યું અગ્નિ-પ્રાઈમ ન્યૂક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ, જલ્દી સેનામાં થશે સામેલ

Social Share

નવી દિલ્હી: ડીઆરડીએએ ઓડિશા તટ પર 3 એપ્રિલ, 2024ની રાત્રે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલનું નામ અગ્નિ-પ્રાઈમ છે. આ મિસાઈલ હળવા મટિરિયલથી બનાવવામાં આવી છે. તે અગ્નિ-1 મિસાઈલનું સ્થાન લેશે.

તે આગામી પેઢીની મિસાઈલ છે. એટલે કે નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે. અગ્નિ-પ્રાઈમનું ડૉ. એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડ પર રાત્રે પરીક્ષણ કરવામાં આવ્યું. મિસાઈલે ટેસ્ટ દરમિયાન તમામ માપદંડોને પૂર્ણ કરી લીધા. અગ્નિ શ્રેણીની મિસાઈલોમાં તે બેહદ ઘાતક, આધુનિક અને મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે.

આ મિસાઈલને ભારતની સ્ટ્રેટજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ સંચાલિત કરશે. તે અગ્નિ-પી નામથી પણ ઓળખાય છે. 34.5 ફૂટ લાંબી મિસાઈલ પર એક અથવા મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હિકલ એટલે કે એમઆઈઆરવી વોરહેડ લગાવી શકાય છે. એટલે કે એકસાથે ઘણાં ટાર્ગેટ્સ પર હુમલો કરી શકે છે.

આ મિસાઈલ ઉચ્ચ તીવ્રતાવાળા વિસ્ફોટક, થર્મોબેરિક અથવા પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. મિસાઈલના નાક પર 1500થી 3000 કિલોગ્રામ વજનના વોરહેડ લાગી શકે છે. આ બે સ્ટેજનું રોકેટ મોટર પર ચાલનારી મિસાઈલ છે. આ મિસાઈલનું વજન 11 હજાર કિલોગ્રામ છે. તે સોલિડ ફ્યૂલથી ઉડનારી મિસાઈલ છે.

ત્રીજું સ્ટેજ એમએઆરવી છે એટલે કે મેન્યૂવરેબલ રીએન્ટ્રી વ્હીકલ છે. એટલે કે ત્રીજા સ્ટેજને દૂરથી નિયંત્રિત કરીને દુશ્મનના ટાર્ગેટ પર સટીક હુમલા કરી શકે છે. તે બીઈએમએલ-ટટ્રા ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરથી છોડી શકાય છે. તેને ત્યારે બનાવવામાં આવ્યું, જ્યારે ચીને ડીએફ-12ડી અને ડીએફ-26બી મિસાઈલો બનાવી. માટે ભારતે એરિયા ડિનાયલ વેપ તરીકે આ મિસાઈલને બનાવી છે.

અગ્નિ-1 સિંગલ સ્ટેજ મિસાઈલ હતી, તો અગ્નિ-પ્રાઈમ બે સ્ટેજની છે. અગ્નિ-પ્રાઈમનું વજન તેના ગત વર્ઝનથી હળવું પણ છે. 4 હજાર કિલોમીટરની રેન્જવાળી અગ્નિ-4 અને પાંચ હજાર કિલોમીટરની રેન્જવાળી અગ્નિ-5થી તેનું વજન હળવું છે. અગ્નિ-1નું 1989માં પરીક્ષણ કરાયું હતું. તો 2004થી તેને સેનામાં સામેલ કરવામાં આવી. તેની રેન્જ 700થી 900 કિલોમીટર હતી. હવે તેના સ્થાને આ મિસાઈલને તહેનાત કરવામાં આવશે.