Site icon Revoi.in

અમદાવાદમાં ડ્રાયફુટના વેપારીઓને ત્યાં GSTના દરોડા, 50 લાખથી વધુની કરચોરી પકડાઈ

Social Share

અમદાવાદઃ  શહેરમાં દિવાળીના તહેવારોમાં કરોડો રૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનારા અને ટેક્સ ચોરી કરનારા ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની જીએસટીની કરચારી પકડાઈ હોવાનું કહેવાય છે. જીએસટીના અધિકારીઓ દ્વારા હજુ સર્ચ કરવામાં આવી રહ્યું છે. વેચાણ અને ખરીદીના કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ડ્રાયફ્રૂટનો કરોડો રૂપિયાનો વેપાર થયો હતો. આટલા મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો વેપાર થયો હોવા છતાં ડ્રાયફ્રુટના મોટા વેપારીઓએ જે જીએસટી ચૂકવવાની થાય તે ચૂકવી નહોતી. જેને કારણે  જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરીને શહેરના ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ કે જેઓ કાલુપુર, માધુપુરા અને વસ્ત્રાપુર તથા સેટેલાઈટમાં પોતાની ઓફિસો અને દુકાનો ધરાવે છે. ત્યાં દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂ કરી છે. 50થી વધુ જગ્યાએ ચાલી રહેલી તપાસમાં જીએસટીના અધિકારીઓને 50 લાખ રૂપિયાની જીએસટી ચોરી પકડી હોવાનું કહેવાય છે. હજુ આ વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ અને મીઠાઈની દુકાનોવાળા તેમજ અન્ય વેપારીઓને ત્યાં પણ તેની તપાસનો રેલો પહોંચે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  સ્ટેટ જીએસટી દ્વારા ચાલુ વર્ષે બિલ્ડરો, કોસ્મેટિક સુવિધા પૂરી પાડતી એજન્સીઓ અને દવાખાના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્લ્ડ કપમાં લાખો રૂપિયા વસૂલનાર હોટલ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી સામે આવી રહી છે. હજુ બોગસ બિલિંગ અને અન્ય પ્રકરણની તપાસ ચાલુ છે. ત્યારે જ ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં દરોડા પાડીને તપાસ શરૂ કરાઇ છે. વધુ તપાસ દરમિયાન વધુ જીએસટી ચોરી પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.