Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડીને લીધે શરદી, ઉધરસ જ નહીં પણ હાર્ટએટેકના કેસમાં પણ વધારો નોંધાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી બાદ બે દિવસથી આંશિક રાહત મળી છે. ભેજવાળી ઠંડીને કારણે માત્ર શરદી, ઉધરસ તે તાવના જ નહીં પણ હાર્ટની બિમારીના કેસમાં પણ વધારો થયો છે. હાર્ટ એટેકના છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં 2 હજાર 346 કેસ નોંધાયા હતા. દરરોજ ઠંડીને કારણે હાર્ટઅટેકના 168થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં 36 હજાર 708 દર્દી સારવાર લઇ રહ્યાં છે. 2022ની સરખામણીએ 2023માં હ્રદય રોગને લગતા સરેરાશ 32 જેટલા વધારે કેસ નોંધાઇ રહ્યાં છે. તબીબોનું કહેવું છે કે, ઠંડીમાં હ્રદય રોગના કેસ વધવા પાછળ લોહી જામી જવું, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલમાં વધઘટ જવાબદાર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ મુજબ દેશમાં  છેલ્લા બે વર્ષમાં હૃદય રોગના દર્દીઓમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એક આંકડા દર્શાવે છે કે મુંબઈમાં જાન્યુઆરી 2021 થી જૂન 2021 વચ્ચે દર મહિને 3 હજાર લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. આ પહેલા ગયા વર્ષે એટલે કે 2020માં આ સંખ્યા માત્ર 500 હતી. તબીબોના મતે ઘણી વખત લોકોને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, પરંતુ તેઓ તેને ગેસના દુખાવા તરીકે અવગણે છે. આ સિવાય આનુવંશિક કારણોસર પણ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, એટલે કે જો ઘરમાં કોઈને હૃદયની બીમારી છે તો તે એક પેઢીથી બીજી પેઢીમાં જઈ રહી છે. કોવિડ પછી હાઈ બીપી, પલ્સ રેટ વધવા જેવી સમસ્યાઓ આવી છે. જેની અસર હૃદય પર પડે છે. કેટલાક દર્દીઓ એવા પણ હતા જેમને પહેલાથી જ હ્રદયની સમસ્યા હતી, પરંતુ કોવિડને કારણે તેઓ સમયસર હોસ્પિટલ નહોતા આવ્યા, જેના કારણે તેમની સમસ્યાઓ વધી ગઈ છે.

તબીબોના કહેવા મુજબ આજે ફાસ્ટફુડનો ઉપયોગ વધી ગયો છે. સાથે લોકોની આરામદાયક દિનચર્યા, કસરતનો અભાવ, વગેરે કારણો હાર્ટની બિમારી માટે જવાબદાર છે.