Site icon Revoi.in

ગીર સોમનાથમાં ભારે વરસાદથી પ્રાંચી તિર્થ, માધવરાયજીનું મંદિર પાણીમાં ડુબ્યું

Social Share

ઊનાઃ સૌરાષ્ટ્રભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ભાદરવો ભરપુર બની રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં જન્માષ્ટ્રમીના પર્વ બાદ મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે બુધવારે  જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરસોમનાથના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. ત્યારે ધોધમાર વરસાદના પગલે પ્રાર્ચી તિર્થ માધવરાયજીનું મંદિર પાણીમાં ડૂબ્યું હતું. આ ઉપરાંત 10 ઈંચ વરસાદના કારણે પ્રશ્રાવડા ગામના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા. તેમજ ગામની શેરીઓમાં નદીઓના ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પ્રાર્ચી તિર્થ માધવરાયજીનું મંદિર પાણીમાં ડૂબ્યું હતું. જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ પડતા પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદી કિનારે આવેલું ભગવાન માધવ રાય મંદિર પાણીમાં જળ મગ્ન થઈ ગયું હતું. જોકે, સરસ્વતી નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મુરઝાતા ખેતી પાકને નવજીવન મળી ગયું છે. જિલ્લાના કેટલાક રસ્તાઓ પર હજુ પાણી ભરાયેલા છે. દરિયા કાંઠે આવેલા સૂત્રાપાડામાં તો ગઈકાલે ભારે વરસાદને કારણે એક સમયે બેટ સમાન બની ગયું હતું. જોકે ગુરૂવારે સવારથી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. હવે વધુ વરસાદ પડે તો સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.