Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં એરંડાના ઓછા ઉત્પાદનને લીધે ભાવ મણે 1500ને વટાવી જતાં ખડુતો ખૂશખૂશાલ

Social Share

ડીસાઃ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે એરંડાના ઓછા ઉત્પાદનને કારણે માર્કેટ યાર્ડ્સમાં ખેડુતોને એરંડાના સારા ભાવ મળી રહ્યા છે.  રોકડીયા પાક ગણાતા એરંડાનું બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં મોટાપાયે વાવેતર અને મબલખ ઉત્પાદન પણ થાય છે,  એરંડાના ભાવમાં ફરી એકવાર આગ ઝરતી તેજી જોવા મળતા ખેડૂતોમાં ખુશાલી છવાઇ છે. ઓછા ઉત્પાદનના કારણે એરંડાના ભાવમાં રોજબરોજ તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. ડીસા માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ પ્રતિ 20 કિલોના રૂપિયા 1500નો ભાવ બોલાતા ખેડુતોને રાહત થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં એરંડાની ખેતી સારા પ્રમાણમાં કરવામાં આવે છે, આ વર્ષે સાનુકૂળ વાતાવરણ રહ્યું ન હોવાથી એરંડાનું ઉત્પાદન ગત વર્ષ કરતા ઓછું થયું છે. એટલે ખેડુતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળી રહ્યા છે. માર્કેટયાર્ડોમાં એરંડાનો ભાવ ફેબ્રુઆરી માસમાં પ્રથમવાર પ્રતિ મણ (20 કિલો)એ રૂપિયા 1300ને આંબી ગયો હતો. તે સમયે વેપારીઓએ એરંડાનો ભાવ રૂપિયા 1500ને આંબી જવાની શક્યતા વ્યક્ત કરી હતી તે મુજબ હાલમાં એરંડાના ભાવ રૂપિયા 1500ને પાર કરી ગયા છે. જેના પગલે મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દૈનિક 400થી 500 કરતાં વધુ બોરી એરંડાની આવક થઈ રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એરંડાના પોષણક્ષમ કરતા પણ વધુ ઓલ ટાઈમ હાઈ ભાવ મળતાં એરંડાનું વાવેતર કરનારા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પખવાડિયા અગાઉ એરંડાના ભાવ રૂપિયા 1300ની આસપાસ હતા પરંતુ પ્રતિદિન તેના ભાવમાં ઉછાળો થતો રહ્યો છે અને હવે સૌથી ઊંચા ભાવ મળતાં એરંડા માર્કેટયાર્ડોમાં ઠલવાઇ રહ્યા છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે, ‘ઘણા વર્ષો બાદ ચાલુ વર્ષે એરંડાનો ખુબ જ સારો ભાવ મળી રહ્યો છે. જેમાં ડીસા માર્કેટયાર્ડમાં એરંડાના 1495 થી 1520 રૂપિયા મણના ભાવ બોલાયા છે. જેથી ખેડૂતો પણ સંગ્રહ કરેલો એરંડાનો પાક બજારમાં લાવી રહ્યાં છે.’