Site icon Revoi.in

દિવાળીના તહેવારોને લીધે ગોવા સહિત પર્યટક સ્થળોએ જતી ફ્લાઈટના ભાડામાં ત્રણગણો વધારો

Social Share

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે 20 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં વસવાટ કરીને રોજગારી મેળવતા પરપ્રાંતના હજારો પરિવારો પોતાના માદરે વતન જવા માટે રેલવેની અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે. હાલ રેલવેમાં મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ઘણીબધી ટ્રેનોમાં તો વધારોના કોચ લગાડવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત દિવાળીની જાહેર રજાઓમાં હીલ સ્ટેશન સહિતના પર્યટક સ્થળોએ ફરવા જવા માટે મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સમાં પ્લાનિંગ કરી લીધુ છે અને ટૂર ઓપરેટરો પાસે બુકિંગ પણ કરાવી રહ્યા છે. ગોવા અને ઉત્તર ભારતના પર્યટન સ્થળોનું બુકિંગ કરાવી રહ્યા છે.આ સાથે મધ્યપ્રદેશના ટુરિસ્ટ સ્થળોએ ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતીઓ હરવા-ફરવાના શોખીન છે. દેશના ગમે તે પર્યટક સ્થળે જાઓ તો ગુજરાતી તો મળી જ રહે, હાલ દિવાળીની રજાઓમાં ઘણાબધા લોકોએ બહારગામ ફરવા જવા માટે પ્લાનિંગ કરી લીધુ છે. એટલે ખાનગી પરિવહન સેવાને તડાકો બોલ્યો છે. ઘણા લોકો ટ્રેન કે લકઝરી બસને બદલે ફ્લાઈટ્સમાં પર્યટન સ્થળે જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. ગોવા સહિત ઉત્તર ભારતના શહેરો તરફ લોકોનો ધસારો વધુ હોવાથી અત્યારથી જ ફ્લાઈટના ભાડા બેથી ત્રણગણા વધી ગયા છે. જ્યારે ગુજરાતના ટુરિસ્ટ સ્થળો લગભગ તમામ હાઉસફુલ થઈ ગયા હોવાનું ટૂર ઓપરેટરોએ જણાવ્યું હતું. દિવાળીના તહેવારો દરમિયાન 1 નવેમ્બરથી લગભગ એક સપ્તાહ સુધીમાં ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા સોમનાથ, દીવ, સાસણ ગીર હાઉસફુલ થઈ ગયા છે. એક ટૂર ઓપરેટરએ જણાવ્યું કે, વૈષ્ણોદેવી, કાશ્મીર, લદ્દાખ માટે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.