Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમીને લીધે શાળાઓનો સમય સવારનો કરવા શૈક્ષણિક સંઘની માગ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને  પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. ત્યારે  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે  શિક્ષણ સચિવને પત્ર લખીને બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવાની માગણી કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. અસહ્ય ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. આથી જે સ્કૂલનો સમય બપોરનો હોય એ સ્કૂલોનો સમય સવારનો કરવાની માગણી વાલીઓમાંથી પણ ઊઠી છે. ત્યારે  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે,  ગુજરાતમાં વર્તમાન ક્લાઇમેન્ટ સ્થિતિ અનુસાર ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ  હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી એક-બે દિવસમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને હાલ યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં થયેલા વધારાને કારણે બપોરની પાળીમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર પડે એવી પૂરી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં પાણીની તંગીના પ્રશ્નો પણ ઉદભવ્યો છે, આથી રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય બપોરની જગ્યાએ સવારનો કરવામાં આવે તેવી માગ છે.

શૈક્ષણિક સંઘના સૂત્રોના કહેવા મુજબ રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હવે પરીક્ષાઓ શરૂ થશે અને ત્યારબાદ ઉનાળું વેકેશન પડશે, એટલે હાલ ગરમીને લીધે બપોરની પાળીમાં જે શાળાઓ ચાલી રહી છે. તે શાળાઓને સવારની પાળીમાં ચલાવવામાં આવે તો વિદ્યાર્થીઓને બપોરની અસહ્ય ગરમીમાંથી રાહત મળી શકે તેમ છે.