Site icon Revoi.in

ગુજરાતમાં અસહ્ય ગરમીને લીધે વીજ માંગ 25089 મેગાવોટ પહોંચી,સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજ વપરાશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનમાં થયેલા વધારાને લીધે વીજળીના વપરાશમાં રેકર્ડબ્રેક વધારો થયો છે. અને ઈતિહાસમાં પ્રથમ વખત વીજળીની માગ  25000 મેગાવોટને વટાવી ગઈ છે. સૌથી વધુ વીજ વપરાશ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધાયો છે. તંત્ર દ્વારા વિજ એકમોમાં શટડાઉન નહીં રાખીને પુરતા પ્રમાણમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. રાજયમાં મહતમ તાપમાનમાં વધારો થવાનું ચાલુ રહેશે તો વિજ ડીમાંડનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે.

ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી હીટવેવની હાલત છે,  અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, સહીતના શહેરોમાં તાપમાનનો પારો 45 ડીગ્રીને વટાવી ગયો હતો. સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે વિજ ડીમાંડ 25089 મેગાવોટનાં સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી.  ભીષણ ગરમીને કારણે ઘર વપરાશ તથા કૃષિ વીજ ડીમાંડમાં મોટો વધારો નોંધાયો છે. ઉંચા તાપમાનમાં ઔદ્યોગિક વીજમાંગ પણ વધી જતી હોય છે. કેટલાંક દિવસોથી રાત્રીનું તાપમાન પણ વધી ગયુ છે. પરિમાણે રાતના સમયે પણ વીજળીની ડીમાંડ વધુ રહેતી હોય છે.

ગુજરાત ઉર્જા વિજ નિગમ સુત્રોના કહેવા મુજબ   બપોરના ટાણે વીજ ડીમાંડ 25089 મેગાવોટ થઈ હતી. તેમાં પીજીવીસીએલનો હિસ્સો 28 ટકા, ઉતર ગુજરાત વીજ કંપનીનો 24 ટકા, દક્ષિણ ગુજરાત વિજ કંપનીનો 21 ટકા તથા મધ્ય ગુજરાત વિજ કંપનીનો 11 ટકા રહ્યો છે. કૃષિક્ષેત્રને પણ દિવસના સમયે વીજળી આપવાની નીતિ લાગુ કરવામાં આવી હોવાથી દિવસની વિજ ડીમાંડમાં વધારા પાછળનુ આ પણ એક મોટુ કારણ છે. તંત્ર દ્વારા વિજ એકમોમાં શટડાઉન નહીં રાખીને પુરતા પ્રમાણમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. રાજયમાં મહતમ તાપમાનમાં વધારો થવાનું ચાલુ રહેશે તો વીજ ડીમાંડનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે. ગત વર્ષે ઉનાળા બાદ સપ્ટેમ્બરમાં 24540 મેગાવોટ વીજ ડીમાંડનો રેકોર્ડ સર્જાયો હતો. ગુજરાતમાં આ પૂર્વે 6 મેના રોજ વિજ ડીમાંડ 24111, 9 મેના રોજ 24089 મેગાવોટ તથા 11 મેના રોજ 24460 મેગાવોટ પર પહોંચી હતી.

Exit mobile version