Site icon Revoi.in

ડમીકાંડ, યુવરાજસિંહના સમર્થનમાં કરણીસેના દ્વારા કાલે તા. 26મીએ રાજ્યભરમાં આવેદનપત્રો આપશે

Social Share

ભાવનગરઃ પેપેરલિકકાંડ બાદ હવે ડમીકાંડે રાજ્યભરનમાં ભારે ચર્ચા જગાવી છે. ડમીકાંડને પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા પાંજરે પુરાયા છે. પોલીસે ડમીકાંડમાં તોડ કરવાના આરોપમાં તેમની ધરપકડ કરી છે. અને યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી તેનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્યારે યુવરાજસિંહ ગુનેગાર નહીં હોવાના દાવા સાથે કરણીસેના મેદાનમાં આવી છે. યુવરાજસિંહ સરકારી ભરતીઓમાં થતા ભ્રષ્ટાચારને દૂર કરવાનું કામ કરતા હોવાથી તેનો અવાજ દબાવવા તેમની ધરપકડ કરવામાં આવી હોવાનો આરોપ કરણીસેનાનાં અગ્રણી જે. પી. જાડેજાએ લગાવ્યો છે.  સાથે યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવતી કાલે 26 એપ્રિલના રોજ તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં કલેકટર અને મામલતદારને આવેદન આપવા તમામ સમાજને અપીલ કરી છે.

ડમીકાંડમાં યુવરાજસિંહની ધરપકડનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ વિરોધ કર્યો છે. ઉપરાંત ક્ષત્રિય સમાજમાંથી પણ વિરોધનો સૂર ઊઠ્યો છે. કરણીસેનાનાં અગ્રણી જે. પી. જાડેજાએ જણાવ્યું હતું  કે, ગુજરાતના તમામ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓને કહેવું છે કે, છેલ્લા થોડા સમયથી સરકારી ભરતીઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેને સામે લાવવાનું કામ યુવરાજસિંહ કરી રહ્યા હતા. યુવરાજસિંહે કરેલા ભ્રષ્ટાચારનાં પર્દાફાશને કારણે સરકારે  પરીક્ષાઓ રદ્દ કરવી પડી છે. જેને કારણે યુવરાજસિંહ જાડેજાનો અવાજ દબાવવા માટે કૌભાંડીઓ અને સરકાર દ્વારા તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. જેનાથી તમામ વિદ્યાર્થીઓ અને સરકારી ભરતીના ઉમેદવારોને મોટું નુકસાન થવાની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, તમામ સમાજના લોકો અને ખાસ વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યામાં યુવરાજસિંહ જાડેજાનાં સમર્થનમાં આવવું જરૂરી છે. આ માટે આવતીકાલે તા. 26મી તારીખે તમામ જિલ્લા મથકમાં કલેક્ટરને અને તાલુકા મથકમાં જે-તે મામલતદારને આવેદન આપી રજૂઆત કરવાની અપીલ કરી છે. જેમાં યુવરાજસિંહનાં પરિવારને પણ રક્ષણ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. તેમજ કરણીસેના આ સમગ્ર મામલે યુવરાજસિંહની સાથે હોવાનું જણાવી આ મામલે તટસ્થ તપાસ માટેની સરકારમાં રજૂઆત કરવા અપીલ કરી છે.