Site icon Revoi.in

કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: 4.8ની તીવ્રતા નોંધાઈ

Closeup of a seismograph machine earthquake

Social Share

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં સોમવારે વહેલી સવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીર ખીણના બડગામ જિલ્લામાં હોવાથી તેની અસર દૂર-દૂર સુધી અનુભવાઈ હતી અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તાઓ પર દોડી આવ્યા હતા.

આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપના આંચકા વહેલી સવારે 5.35 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ રાજધાની શ્રીનગરથી માત્ર 21 કિમી ઉત્તરમાં આવેલા બડગામ જિલ્લામાં જમીનની અંદર હતું. ભૂકંપના આંચકા એટલા પ્રબળ હતા કે મકાનોની બારીઓ અને દરવાજા ધ્રૂજવા લાગ્યા હતા. હાલમાં તંત્ર દ્વારા કોઈ પણ જાનહાનિ કે મિલકતના નુકસાન અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આજના આંચકાઓએ કાશ્મીરવાસીઓને 8 ઓક્ટોબર, 2005ના તે ભયાનક ભૂકંપની યાદ અપાવી દીધી હતી, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.6 હતી. તે સમયે મુઝફ્ફરાબાદ (PoK) કેન્દ્રબિંદુ હોવા છતાં આખા કાશ્મીરમાં ભારે તબાહી સર્જાઈ હતી. 2005ના તે ભૂકંપમાં 80 હજારથી વધુ લોકોના મોત થયા હતા અને લાખો લોકો બેઘર બન્યા હતા.

આ પણ વાંચોઃ પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વિના જાતે કેનાલ સાફ કરી 3 ટ્રેકટર કચરો બહાર કાઢ્યો

Exit mobile version