Site icon Revoi.in

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર લિફ્ટ અને એલિવેટર્સ બંધ હોવાથી વૃદ્ધો અને દિવ્યાંગોને પડતી મુશ્કેલી

Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શહેરીજનો સાબરમતી રિવરફ્રંટ પર લટાર મારવા નીકળતા હોય છે. રજાના દિવસે તો અહીં ખાસી ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દુર્ભાગ્યવશ વિકાસના નમૂના તરીકે જે રિવરફ્રંટને રજૂ કરવામાં આવે છે તેમાં શહેરના દિવ્યાંગો અને વૃદ્ધો માટે કોઈ સ્થાન નથી. રિવરફ્રન્ટની બન્ને બાજુએ નવ એલિવેટર્સ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર એક જ કાર્યરત છે. બાકીના આઠ એલિવેટર્સ કામ નથી કરતા અથવા તો તેના પર તાળુ મારેલું હોવાની ફરિયાદો ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ એલિવેટર્સ દિવ્યાંગો અને વૃદ્ધો માટે મૂકવામાં આવ્યા છે, જેથી તેઓ નીચેની તરફ સરળતાથી પહોંચી શકે. પરંતુ આ એલિવેટર્સ અત્યારે શોભાના ગાંઠિયાની જેમ બંધ પડ્યા છે, જેના કારણે દિવ્યાંગ મુલાકાતીઓએ રિવરફ્રન્ટના ઉપરના ભાગમાં જ રહેવું પડે છે અથવા તો પછી નીચે ઉતરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શહેરના ઘણાબધા વૃદ્ધો અને દિવ્યાંગો  અવારનવાર સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેતા હોય છે.  અને ઘણીવાર રિવરફ્રન્ટ પર ભેગા થાય છે.  આવા લોકો  લિફ્ટનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તે લોક હોય છે અથવા તો  લિફ્ટ કામ નથી કરતી હોતી. વૃદ્ધો અને દિવ્યાંગો માટે  સીડી ઉતરીને નીચે જવું ઘણું પડકારજનક કામ છે. આ વિષે જ્યારે SRFDCLને વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે લિફ્ટના મેઈન્ટનન્સનું કામ અમારા દ્વારા કરવામાં નથી આવતુ, તેના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ અમે આ બાબતે વહેલી તકે ધ્યાન આપીશું અને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.