Site icon Revoi.in

જામનગરમાં ભાભી-નણંદ વચ્ચે ચૂંટણી જંગ, રીવાબા પોતે જ પોતાને મત આપી શકશે નહીઃ નયનાબા

Social Share

જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બેઠકો પર પરિવારો પણ આમને સામને છે. જામનગરની બેઠક પર જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે રિવાબાના નણંદ અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નયનાબાએ પોતાના ભાભી સામે આક્ષેપ કર્યો હતો કે, રીવાબાએ ક્રમ નંબરમાં રીવાસી હરદેવસિંહ સોલંકીનું ઉપનામ આપ્યું છે અને રવીન્દ્રસિંહને બ્રેકેટમાં રાખ્યા છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરવાનો સમય ના મળ્યો કે પછી ખાલી રવીન્દ્રસિંહના નામે પબ્લિસિટી મેળવવી છે?, રીવાબા રાજકોટના મતદાર હોવાથી તે પોતાનો મત પણ પોતાને આપી શકે તેમ નથી. અને ચૂંટણી બાદ તે રાજકોટમાં જ રહેવાના છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામસામે આવી ગયો છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં છે. જેને લઇને નયનાબાએ આજે રીવાબા પર આક્ષેપ કર્યા હતા.

જામનગરમાં કોંગ્રેસ મહિલા નેતા નયનાબા જાડેજાએ ભાજપના ઉમેદવાર અને ભાભી રિવાબા જાડેજા સામે આક્ષેપો કરતા જણાવ્યું  હતુ  કે, જામનગર 78 ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનું રાજકોટમાં મતદાન મથક છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ. રીવાબા  પોતે પોતાને મત આપી શકે તેમ નથી તો લોકો પાસે કેમ મત માંગો છો? 78 વિધાનસભા બેઠકના લોકો આયાતી ઉમેદવારને મત કેમ આપશે? ચૂંટણી બાદ તે રાજકોટમાં જ રહેવાના છે.

નયનાબાએ રિવાબાને આડે હાથ લેતા વધુમાં જણાવ્યું હતું કે, રીવાબા વધુ સમય તો વિદેશના પ્રવાસે હોય છે, તો  જામનગરના લોકોની સ્થિતિ કંઇ રીતે જાણશે. રીવાબાએ ઈવીએમ મશીનમાં પોતાનું નામ રીવાસી હરદેવસિંહ સોલંકી રાખ્યું છે. રવીન્દ્રસિંહ જાડેજાનું નામ બ્રેકેટમાં છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરાવવાનો સમય ન મળ્યો કે ખાલી પબ્લિસીટી માટે જ રવિન્દ્રસિંહના નામનો ઉપયોગ કર્યો?