Site icon Revoi.in

આગામી ચૂંટણી માટે મતદારોને પ્રેરિત કરવા માટે ચૂંટણી પંચનું ગીત ‘મૈં ભારત હૂં’,સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Social Share

દિલ્હી:ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) આ વર્ષે નવ વિધાનસભાની ચૂંટણીઓ અને આવતા વર્ષના પ્રારંભમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યું છે, જેનો ઉદ્દેશ નવીન સંચાર વ્યૂહરચનાઓ દ્વારા મતદાનની ટકાવારી વધારવાનો છે. આ વિવિધ પહેલમાંની એક પહેલ તરીકે ઇસીઆઈએ સુભાષ ઘાઇ ફાઉન્ડેશન સાથે જોડાણમાં એક ગીત – ‘મૈં ભારત હૂં, હમ ભારત કે મતદાતા હૈં’નું નિર્માણ કર્યું હતું, આ ગીતમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓ મતદાતાઓને તેમનો મત આપવા અને તેમની બંધારણીય ફરજો અદા કરવા અપીલ કરે છે.13મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (એનવીડી) – 25 જાન્યુઆરી, 2023ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિની હાજરીમાં પ્રદર્શિત થયેલું આ ગીત, સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સ- પ્રભાવકો દ્વારા સોશિયલ મીડિયા પર આકર્ષણ જમાવવા માંડ્યું છે.તેની રજૂઆતના એક અઠવાડિયાની અંદર, ગીતના હિન્દી અને બહુભાષી ફોર્મેટને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ જેવાં ચાર મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 3.5 લાખથી વધુ વ્યૂઝ અને 5.6 લાખ ઇમ્પ્રેશન્સ મળી ચૂક્યા છે.

આ ગીત ભારતીય ચૂંટણી પંચના ‘સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (એસડબ્લ્યુઇઇપી) કાર્યક્રમની આ પ્રકારની વિવિધ પહેલમાંની એક છે, જે એક મુખ્ય મતદાતા શિક્ષણ કાર્યક્રમ છે જે ચૂંટણી પંચના ‘કોઇ મતદાર પાછળ બાકી ન રહે’ના મુદ્રાલેખ હેઠળ તમામ કૅટેગરીના મતદાતાઓની ભાગીદારી વધારવા માટે સમાવેશી વ્યૂહરચનાઓ અને કાર્ય યોજના પર કેન્દ્રિત છે. આ ગીતનો હેતુ માત્ર મતદારોને લોકશાહીને મજબૂત કરવા માટેના તેમના અધિકારો અને જવાબદારી વિશે શિક્ષિત કરવાનો જ નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં વધુ સહભાગિતા માટે તેમને પ્રોત્સાહિત કરવાનો પણ છે.

સુભાષ ઘાઇની આગેવાની હેઠળની ટીમે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળનાં ચૂંટણી પંચ સાથે સંખ્યાબંધ મસલતો કર્યા પછી આ ગીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે અને ચૂંટણી કમિશનર શ્રી અરુણ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. આ ગીત અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “આ ગીત દરેક મતદાતાને સમર્પિત છે, જે પોતાની રાષ્ટ્રીય ફરજ સમજે છે અને તમામ અવરોધોને હરાવીને પોતાનો મત આપે છે. આ ગીત નવા મતદારોને પ્રેરિત કરે છે, ભવિષ્યના મતદારો અને યુવા મતદારોને ઉત્સાહિત કરે છે, શતાયુ મતદારો, સેવા મતદારો, દિવ્યાંગ મતદારોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, મહિલા મતદારોની ઉજવણી કરે છે, જેમણે લોકશાહીમાં વિશ્વાસ દર્શાવ્યો છે અને 2019ની ચૂંટણીમાં પુરુષ મતદારોને પાછળ છોડી દીધા છે અને ભારતીય ચૂંટણી પંચ અને પોતાને માટે એક નવું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ભારતની વિવિધતા અને વસ્તી વિષયક ઉજવણી કરતા, આ ગીત એનવીડી 2023ની થીમ ‘નથિંગ લાઇક વોટિંગ, આઇ વોટ ફોર સ્યોર (મતદાન જેવું કંઈ નથી, હું ખાતરી માટે મત આપું છું)’ની થીમમાં યોગદાન આપવાનો પ્રયાસ કરે છે.

ગીતની કેટલીક નોંધપાત્ર લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે:

  1. આ ગીતના પ્રેરણાદાયી અને પ્રેરિત કરતા શબ્દો સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ મ્યુઝિક, મુંબઇના સહયોગથી લખ્યા છે અને કમ્પોઝ કર્યા છે.
  2. આ ગીત મહત્તમ ભૌગોલિક વિસ્તારને આવરી લેતા હિન્દી અને 12 પ્રાદેશિક ભાષાઓ એટલે કે બંગાળી, મરાઠી, ગુજરાતી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આસામી, ઓડિયા, કાશ્મીરી, સાંતાલીમાં ગવાયું છે.
  3. મૈ ભારત હૂં ગીતનું સમૂહગાન તમામ સંસ્કરણોમાં એકસમાન છે.
  4. હિન્દી વર્ઝનમાં સેલિબ્રિટી સિંગર્સ સુખવિંદર સિંહ, કવિતા કૃષ્ણ મૂર્તિ, સોનુ નિગમ, હરિ હરણ, અલકા યાજ્ઞિક, જાવેદ અલી, કેએસ ચિત્રા, કૌશિકી ચક્રવર્તી, ઉસ્તાદ રાશિદ ખાન છે.
  5. પ્રાદેશિક આવૃત્તિના પ્રસિદ્ધ ગાયકોમાં કૌશિકી ચક્રવર્તી, વૈશાલી સામંત, ભૂમિ ત્રિવેદી, મીકા સિંહ, કે.એસ.ચિત્રા, મનો, વિજય પ્રકાશ, વિજય યેસુદાસ, પાપોન, દિપ્તી રેખા પાધી, મેહમીત સૈયદ, પંકજ જલનો સમાવેશ થાય છે.
  6. આ ગીત વિવિધ આવૃત્તિઓમાં રજૂ કરવામાં આવ્યું છે., હિન્દી વર્ઝન, બહુભાષી સંસ્કરણ, ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન, પિયાનો વર્ઝન, ઇન્ટરનેશનલ સાઉન્ડ ટ્રેક અને રિંગટોન વર્ઝન.
  7. આ ગીતમાં સર્વસમાવેશક અને સુલભ ચૂંટણીઓ પર પ્રકાશ પાડતા વિવિધ મતદાર જૂથનું ચિત્રણ કરવામાં આવ્યું છે, જેમાં મહિલા મતદારો, યુવાન મતદારો, શતાબ્દી મતદારો, દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
  8. આ ગીત દેશની પ્રાદેશિક વિવિધતા, સાંસ્કૃતિક, સામાજિક-આર્થિક અને ભૌગોલિક પાસાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે અને એટલે તે મતદાતાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.
  9. ભારતીય ચૂંટણી પંચના આઇકોન્સ પંકજ ત્રિપાઠીની સાથે અનિલ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, આર.માધવન, સુબોધ ભાવે, પ્રસન્નજીત ચેટર્જી, મોહનલાલ, કપિલ બોરા, સૂર્યા, ગિપ્પી ગ્રેવાલ, શુભમન ગિલ, હર્ષલ પટેલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, યજુવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર જેવી જાણીતી હસ્તીઓ પણ ‘વેલ્યુ ઑફ વન વોટ’ પર ભાર મૂકતા ગીતના વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
  10. પીઢ દિગ્દર્શક, નિર્માતા અને લેખક સુભાષ ઘાઇ, ગાયકો જેવા કે સોનુ નિગમ, ઉસ્તાદ રશીદ ખાન, કે.એસ.ચિત્રા, દીપ્તિ રેખા પાધી, વૈશાલી સામંત, મહેમીત સૈયદ, પાપોન, અભિષેક બોંથુ અને ઇસીઆઈના આઇકોન પંકજ ત્રિપાઠી નવી દિલ્હીમાં 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
  11. ગીતના શબ્દો એ માન્યતામાંથી પ્રેરણા મેળવે છે કે દરેક ભારતીય ભારતને પ્રેમ કરે છે. તેમનો આત્મા, હૃદય, મન અને શરીર ભારત માટે ગૌરવ સાથે બોલે છે, કારણ કે તેના પ્રાચીન મૂળિયા હોવા છતાં તેઓ પ્રગતિશીલ અને આધુનિક છે અને વિશ્વમાં એક મજબૂત લોકશાહી તરીકે ઉજ્જવળ ભવિષ્ય છે. દરેક ભારતીયને એ કહેતાં ગર્વ થાય છે કે “હું ભારત છું” (મૈં ભારત હૂં) કારણ કે તેઓ આપણા દેશના શાસન અને નિર્માણ માટે શ્રેષ્ઠ કારભારીઓને ચૂંટવા માટે વ્યક્તિગત મતની શક્તિને જાણે છે. આ ગીત દરેક મતદાતાને આધુનિક ભારતના શ્રેષ્ઠ ઘડવૈયામાંના એક બનવાની ઇચ્છા રાખવા માટે બનાવવામાં આવ્યું છે, જેઓ તેમના દરજ્જા, વર્ગ, ધર્મ, જ્ઞાતિ, સ્થળ, ભાષા અને લિંગને ધ્યાનમાં લીધા વિના, તેમની ફરજ તેમજ તેમનાં રાષ્ટ્ર માટે મત આપવાના તેમના અધિકારને સમજે છે. તેથી જ, તેઓ સાથે મળીને ગાવામાં ગર્વ અનુભવે છે, જેમ કે ગીતમાં લખ્યું છે – “મૈં ભારત હૂં – ભારત હૈ મુઝમે – હમ ભારત કે મતદાતા હૈં – મતદાન દેને જાયેંગે ભારત કે લિયે…”