રાજકોટઃ સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ અને માર્કેટ યાર્ડોમાં ચૂંટણીની મોસમ ખીલી છે. સૌપ્રથમ રાજકોટ અને ઉપલેટામાં ચૂંટણી જાહેર થયા પછી હવે ગોંડલ જેવા સૌરાષ્ટ્રના સૌથી મોટાં યાર્ડમાં પણ ચૂંટણીનો પરિપત્ર જાહેર થતાં હવે સહકારી આગેવાનો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના બેડી યાર્ડમાં પાંચમી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઇ છે. 10મી સપ્ટેમ્બરથી ફોર્મ ભરાવાનું શરું થશે. 27 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ પરત આવશે અને પાંચમી ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે. બેડી યાર્ડમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને મંડળીની 2 બેઠકો સહિત કુલ 16 બેઠકો છે. રાજકોટ યાર્ડમાં વર્ષોથી રાદડિયા જૂથનું વર્ચસ્વ છે અને આ વખતે પણ વર્ચસ્વ રહેવાના એંધાણ છે. ચૂંટણી પણ કદાચ બિનહરિફ બનશે તેવી ચર્ચા અત્યારથી શરું થઇ ગઇ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતના સૌથી મોટાં ગણાતા યાર્ડમાં 13 ઓક્ટોબરે થનારા મતદાન માટેની સમગ્ર પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી શરું થશે. યાર્ડમાં ખેડૂત મત વિભાગમાં 10, વેપારી મત વિભાગમાં 4 અને સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગમાં 2 બેઠકો છે. ઉલ્લેખનીય છેકે રાજકોટ યાર્ડમાં 5 ઓક્ટોબરે ચૂંટણી માટે મતદાન છે. ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક દ્વારા સૂચનાપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે 30મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો ભરાશે. 1 ઓક્ટોબરે ભરાયેલા ફોર્મ તપાસવામાં આવશે. 4 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારીપત્રકો પાછા ખેંચી શકાશે. 13મીએ મતદાન અને 14મીએ મતગણતરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગોંડલ યાર્ડમાં ખેડૂત મતદારો 650, ખરીદ વેચાણ સંઘમાં 95 અને વેપારી વિભાગમાં 1050 મતદારો છે. પ્રવર્તમાન કમિટી દ્વારા 1994થી ચાલતા જમીન સંપાદન અંગેના કેસમાં ખેડૂતોને વળતર પેટે રુ. 14.50 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. મરચાંમાં લાગેલી આગ સામે રુ. 77 લાખ ચૂકવાયા છે. એ ઉફરાંત મૃત્યુ વીમા પોલીસી ફરીથી ચાલુ કરવામાં રુ. 62 લાખનું ખર્ચ કરવામાં આવ્યું છે. નબળા વર્ષમાં પણ ઉત્તમ માર્કેટ ફી યાર્ડને મળી છે. એ ઉપરાંત બિન ઉપયોગી જગ્યાને ગોડાઉનના હેતુ માટે ફાળવીને આશરે રુ. 8 કરોડની ઉપજ કરવામાં આવી છે. એ ઉપરાંત યાર્ડમાં ઓક્શન શેડ નંબર એકનું રુ. 30 લાખના ખર્ચે રિનોવેશન પણ કરવામાં આવ્યું છે. ઉપલેટા માર્કેટ યાર્ડમાં પણ 17 સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી માટે મતદાન થવાનું છે.
સૌરાષ્ટ્રના રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચૂંટણીનો ધમધમાટ, આગેવાનો બન્યા સક્રિય
