Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દુષણ, સરેરાશ 40 ટકાથી વધુ વીજલોસ, પ્રામાણિક ગ્રાહકોને ભાગવવું પડે છે

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું સૌથી વધુ દુષણ છે, તેના લીધે વીજ કંપનીના લાઈન લોસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જયોતિગ્રા યોજના અને ખેતીવાડીના વીજ કનેકશનો વાળા ફિડરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત વર્ષે સરેરાશ 40 ટકા કરતા પણ વધારે લાઇનલોસ હતો. વીજચોરીના આ દુષણને કાબુમાં લેવામાં આવે તો PGVCL દ્વારા શહેરી વિસ્તારોમાં પણ ઓછા દરે વિજ પુરવઠો આપવો શક્ય બને તેમ છે પણ તંત્રની અને માથાભારે માણસોની મીલીભગતને કારણે 40 ટકા જેટલો લાઇનલોસ છે. લાઈનલોસ સરભર કરવા પ્રમાણિક ગ્રાહકોને ખોટા મોટ્ટા બીલ પકડાવાતા હોવાની ફરિયાદો પણ વ્યાપક બની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં  શહેરી વિસ્તારના વીજ ગ્રાહકો કમરતોડ વીજદર ચુકવી રહ્યાં છે. બીજીબાજુ તંત્રની મીલીભગત સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધુમ ચોરી થઇ રહી છે. અને આ વિજચોરી 39 કરોડ વીજયુનિટની થયેલી છે. ત્યારે આ વીજચોરીના દુષણને કાબુમાં લેવામાં લેવામાં આવે તો પીજીવીસીએલ વીજદર ઘટાડી પણ શકે તેમ છે. સરકારે વીજચોરી પકડવા તંત્ર ઉભુ કર્યું છે અને વારંવાર ચેકીંગ થાય છે. તેમ છતા સરેરાશ 40 ટકા જેટલી વીજચોરી થાય તે તંત્રની નિષ્ફળતા પુરવાર કરે છે. જેનો બોજ અન્ય ગ્રાહકો ભારે મોટો વીજદર ચુકવી ઉઠાવી રહ્યાં છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં દરરોજ રૂ.6 કરોડની વીજચોરી થાય છે. જેમાંથી ચેકીંગ ટુંકડીઓની મદદથી અંદાજે 1 કરોડની વીજચોરી પકડાય છે. આમ સૌરાષ્ટ્રમાં વર્ષે અંદાજે 2000 કરોડની વીજચોરી થાય છે. આ ચોરી અટકાવવા સૌરાષ્ટ્રના ધારાસભ્યો, સાંસદોને પત્રો પણ લખાયા છે. વીજચોરોને કેટલીક ચેકીંગ ટુકડીઓ મહામહેનતે પકડે છે ત્યારે ધારાસભ્યો, જી.પં.ના સભ્યો અને રાજકીય પક્ષોના હોદ્દેદારો ફોન કરી ભલામણ કરી આવા વીજચોરોને છોડી મુકવા દબાણ કરે છે. પરિણામે પીજીવીસીએલ નું તંત્ર 40 ટકા જેટલી વીજચોરીને કારણે ખોટમાં જાય છે. જેના કારણે ખોટ સરભર કરવા પ્રમાણિક વિજગ્રાહકોને યુનિટ દીઠ વધારે પૈસા ભરવા પડે છે. ચોરીનું દુષણ ડામવા તંત્ર પાસે પુરતો સ્ટાફ પણ નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વીજ લોસ ઘટાડવા માટેના અવિરત પ્રયાસ બાદ હવે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની ઘોષણા કરવામાં આવી છે.ભાવનગર સહિત સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તળે સ્માર્ટ મીટર નાંખવાની કામગીરીનો આરંભ મે-2023થી કરવામાં આવશે.  PGVCL દ્વારા ગુજરાતને 56 લાખ સ્માર્ટ પ્રીપેડ મીટર પ્રદાન કરવા માટે દિલ્હીમાં RECPDCL સાથે એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે.PGVCL દ્વારા ભાવનગર સહિતના સૌરાષ્ટ્ર વિસ્તારોમાં મે-2023માં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થશે. સ્માર્ટ પ્રીપેડ મીટરનો ઉદ્દેશ્ય વીજ ગ્રાહકોને ઘણા લાભો આપવાનો છે. ગ્રાહકો મીટરનો ઉપયોગ કરીને તેમના વીજળીના વપરાશને નિયંત્રિત કરી શકે છે. ગ્રાહકો સીધા મોબાઈલ એપથી રિચાર્જ પ્રક્રિયા કરી શકે છે. નવી સિસ્ટમ ગ્રાહકોને રિયલ ટાઈમ વપરાશ અને બિલ મોનિટરિંગ પર નજર રાખવામાં મદદ કરશે.