Site icon Revoi.in

કચ્છના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાની તંગી સર્જાતા માલધારીઓની પશુઓ સાથે હિજરત

Social Share

ભૂજઃ જળ એ જ જીવન છે. કચ્છ જિલ્લો છેલ્લા દશકાથી નર્મદાના નીરથી પાણીદાર બન્યો છે. પરંતુ તંત્રની અણ આવડત કહો કે ગમે તે હજુ ઘણાબધા વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઊભી થતી હોય છે. જેમાં સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો માલધારીઓ કરી રહ્યા છે. ભર ઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવા માટે પાણી તેમજ પશુ માટે ઘાસચારો ના મળતા નાના સરાડા સહિત અનેક ગામોના  માલધારીઓ પશુઓ સાથે હિજરત કરી ગયા છે.

ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. બન્ની વિસ્તારના ગામડાંમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. પશુપાલક એવા માલધારીઓને પાણી માટે ભારે સંધર્ષ કરવો પડી રહ્યો છે. જેમાં નાના સરાડા ગામના માલધારીઓ પશુઓ લઈને અન્ય સ્થળે હિજરત કરી રહ્યાં છે.  બન્ની વિસ્તારના મોટાભાગના માલધારીઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને પાણીની સમસ્યાના કારણે પશુઓની પણ હાલત બહુ ખરાબ  બનતી હોય છે. અને સાથે જ ઘાસચારાની પણ તંગી સર્જાતી હોય છે.  આ વિસ્તારના માલધારીઓ અન્ય તાલુકાઓમાં જ્યાં ઘાસચારો અને પાણી મળી રહે તેવા વિસ્તારમાં હિજરત કરી રહ્યા છે. નાના સરાડા ગામમાં 250 જેટલા ઘરો છે, જેમાં 1600 જેટલી વસ્તી અને 16000 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. માલધારીઓને પાણીની સમસ્યાની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા ઘણા સમયથી સતાવે છે. ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. 100 જેટલા ઘરો તો પાણીની સમસ્યાના કારણે ખાલી થઈ ગયા છે અને અન્ય તાલુકાઓમાં પરિવાર અને પશુધન સાથે હિજરત કરી ગયા છે.

બન્ની વિસ્તારના પશુપાલકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સમસ્યાના લીધે જ માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. બન્ની વિસ્તાર એકદમ ખુલ્લો વિસ્તાર છે આ વિસ્તારને મૂકીને કોઈ જાય નહીં પરંતુ અહીં પાણીની સમસ્યાના કારણે હિજરત કરવી પડી રહી છે .બાળકોનું ભણતર પણ આ પાણીની સમસ્યાના કારણે જ બગડી રહયું  છે.માલધારીઓ અંજાર તેમજ ભચાઉ તાલુકાના વિવિધ ગામોમાં હિજરત કરી રહ્યા છે.આ સમસ્યા કાયમ માટે દૂર કરવામાં આવે તેવી માદ ઊઠી છે.