Site icon Revoi.in

ધોરણ-10, 12ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ,પરીક્ષાર્થીઓનો ડેટા એન્ટ્રીની કામગીરીનો પ્રારંભ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ મધ્યસ્થ કેન્દ્રો પર ઉત્તરવહીઓનું મુલ્યાંકનનું કાર્ય શરૂ કરાયું હતું. જે કામગીરી હવે પૂર્ણ થઈ જતાં હવે ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે, જે પૂરી થતા આગામી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધો.10-12ની પરીક્ષા 15 લાખ વિદ્યાર્થીએ આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. પરીક્ષા પૂર્ણ થતાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરું કરવામાં આવી હતી. આ કામગીરી પણ હવે પૂરી થઈ છે. અત્યારે ધોરણ 12 સાયન્સની ઉત્તરવહી અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે, જે કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે. ડેટા એન્ટ્રી સંપૂર્ણ થયા બાદ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

સૂત્રોના ઉમેર્યુ હતું કે, ધોરણ 10 અને 12ની ગત માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં આ વખતે ગેરરીતિના ઓછા બનાવ બન્યા હતા. આ વખતે પરીક્ષાનું સંચાલન બોર્ડના અધિકારીઓને સારી રીતે પાર પાડ્યું હતું. તેમજ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પણ સમયસર પૂર્ણ કરાયું છે. એટલે આ વખતે પરીક્ષાના પરિણામો પણ નિર્ધારિત તારીખે જાહેર કરી શકાશે.