Site icon Revoi.in

કચ્છના નાના રણના છીછરા પાણીમાં છબછબીયાં કરવા વિદેશી પક્ષીઓનો થયો જમાવડો

Social Share

પાટડીઃ ગુજરાતમાં શિયાળાના આગમન પહેલા જ નળ સરોવર, થ્રોળનું તળાવ, તેમજ કચ્છના નાન રણમાં જ્યાં પાણી ભરાઈ રહેતા હોય તેવા વિસ્તારોમાં  વિદેશી પક્ષીઓ આવતા હોય છે. કચ્છના નાના રણમાં વરસાદને લીધે  નજર નાંખો ત્યાં સુધી છીંછરા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે છીછરા પાણીમાં છબછબીયા કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. હાલમાં કચ્છના નાના રણમાં ફ્લેમીંગોનો અનોખો મેળાવડો જામતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા એવા વેરાન રણમાં હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયા, યુરોપ અને લદાખથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફ્લેમીંગો સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ મહાલવા આવે છે. જેમાં સુરખાબ પક્ષીઓ તો રણમાં લાઇનબધ્ધ માળા વસાહત બનાવી સંવનન બાદ બચ્ચાઓને જન્મ આપી ઉનાળાની શરૂઆત થતા પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. કચ્છના નાના રણમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારે વરસાદના લીધે રણમાં પાણી ભરાયેલા છે. રણમાં ભરાયેલા પાણીમાં ફ્લેમીંગોનો મેળાવડો જામતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. હાલમાં નળ સરોવર તરફ જતાં વિદેશી પક્ષીઓના ઝુંડ રણ તરફ ફંટાતા પક્ષીઓના કલરવ વચ્ચે મનોરમ દ્રશ્ય પુરૂ પાડી રહ્યાં છે.

વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાટડીના ધૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ચાર મહિના માટે સદંતર બંધ છે. બીજીબાજુ વરસાદના લીધે રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ પણ પોતાના માદરે વતન પરત ફર્યા છે. 5,000 ચોરસ કિમીમાં ફેલાયેલા રણમાં હાલ જ્યાં નજર નાંખો ત્યાં સુધી પાણી ભરાયેલા જોલા મળે છે ત્યારે વેરાન રણમાં પક્ષીઓએ પડાવ નાંખ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રણમાં વાવાઝોડા કે વરસાદનો પહેલેથી અંદેશો આવી જતા દુર્લભ ઘૂડખરોના ઝુંડે પણ વરસાદના પગલે પુમ્બ બેટ સહિતના વિવિધ સુરક્ષિત બેટ પર અને ખારી વિસ્તારમાં પડાવ નાંખ્યા છે. હાલમાં તમામ ઘૂડખરો સહિતના સસ્તન પ્રાણીઓ સુરક્ષિત છે.