Site icon Revoi.in

રાજ્યસભાની ચૂંટણી માટે ફરી ઉમેદવારી નોંધાવશે વિદેશ મંત્રી જયશંકર,જાણો ક્યારે સમાપ્ત થશે કાર્યકાળ

Social Share

અમદાવાદ :વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની રાજ્યસભાની બેઠક માટે થનારી ચુંટણીને લઈને પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે રવિવારે અહીં પહોંચ્યા હતા. તેઓ સોમવારે ઉમેદવારી નોંધાવશે. ભાજપના એક કાર્યકર્તાએ આ માહિતી આપી હતી.

ભાજપના ગુજરાત એકમના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જયશંકર કે જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે અને ગુજરાતના અન્ય બે રાજ્યસભા સભ્યો સાથે સોમવારે તેમનું ઉમેદવારી પત્ર ભરવાનું છે. જયશંકરનું અમદાવાદ એરપોર્ટ પર મંત્રી રાઘવજી પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ભાજપના અન્ય કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.

ભાજપે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી નથી જેના માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જોકે જયશંકરનું નામાંકન નિશ્ચિત હતું.

કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે તે ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરશે નહીં કારણ કે તેની પાસે 182 સભ્યોની વિધાનસભામાં પૂરતા ધારાસભ્યો નથી. ગયા વર્ષના અંતમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી હતી.

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.