Site icon Revoi.in

ઓલપાડમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને નકલી રેમડેસિવિર બનાવવાની ફેકટરી પકડાઈ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ કેટલાક લોકો કોરોનાના દર્દીઓ માટે નકલી ઈન્જેક્શનો વેચીને કમાણી કરી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ સક્રિય બની છે. સુરતના ઓલપાડ વિસ્તારમાંથી નકલી દવાની ફેક્ટરી મળી આવી છે આ ફેક્ટરીમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને રેમડેસિવિર બનાવતા હતા.

કોરોનાના કપરા કાળનો લાભ લેવા માટેની ગેંગો પણ સક્રિય થઈ ગઈ છે. જે નકલી અને બ્લેકમાં ઇન્જેક્શન વેચી રહી છે. ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

રાજ્યના પોલીસ વડાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં રેમડેસિવિરનો એક કેસ ઝડપવામાં આવ્યો છે. મોરબી પોલીસને માહિતી મળી હતી કે બે-ત્રણ લોકો તેમાં રાહુલ નામનો એક વ્યક્તિ અને તેના સાગરિતો છે, તે ડોક્ટરની ભલામણ વગર રેમડેસિવિર વેચી રહ્યાં છે,. તેમને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઇન્જેક્શન અમદાવાદ પણ મોકલવામાં આવ્યા હતા. અહીં મોહમ્મદ આસિફને 1117 ઇન્જેક્શન અને 17 લાખ રૂપિયા મળ્યા છે. તે સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યો હતો. સુરતના અડાજણમાં કૌશલ વોરા રહે છે, તેનો ભાગીદાર મુંબઈનો ગુણવંત શાહ છે.

ઓલપાડ વિસ્તારમાં ફાર્મ હાઉસ છે ત્યાં આ નકલી દવાની ફેક્ટરી મળી આવી છે. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને રેમડેસિવિર બનાવતા હતા. રાજ્યમાં અત્યાર સુધી 5 હજાર જેટલા ઇન્જેક્શન અત્યાર સુધી આપી ચુક્યા છે. શરૂઆતમાં એક ઇન્જેક્શનના 2500 અને ત્યારબાદ 60 હજાર રૂપિયા પડાવતા હતા. તેઓ મુંબઈના એક પ્રિન્ટિંગ પ્રેસમાં તેના સ્ટીકર બનાવતા હતા. અમદાવાદ-સુરત સીટી ક્રાઇમ બ્રાન્ચની મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્યાર સુધી ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 19 લાખ રૂપિયા અને 1211 ઇન્જેક્શન મળી આવ્યા છે.