Site icon Revoi.in

ડીસામાં ગાયના શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, લાખોનો મુદ્દામાલ સીઝ

Social Share

ડીસાઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરવાનું દૂષણ વધતું જાય છે. જેમાં પનીર બાદ ઘીમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળવાળુ ઘી બનાવીને વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે ફુડ વિભાગે ડીસા જીઆઈડીસી નજીક ઢુંવા રોડ પર પીએન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રેડ પાડીને નકલી ઘી બનાવવાની ફેટકરી પકડી પાડી હતી.

ગુજરાતમાં ડુપ્લીકેટ ચીજ વસ્તુઓના હબ બનેલા ડીસામાંથી દેશી ગાયના શુદ્ધ ઘીના નામે ફેક ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓ બુધવારે મધરાતે કંપાઉન્ડ કૂદીને ફેક્ટરીમાં ત્રાટક્યા હતા. અને  ₹2.48 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો.

ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર, કોસ્મેટિક આઈટમો, લ્યુબ્રીકેટ ઓઇલ, યુરિયા ખાતર સહિતની ચીજ વસ્તુઓમાં બનાવટ તેમજ ભેળસેળ કરવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે બુધવારે મધરાતે ડીસા GIDCની પાછળ ઢુંવા રોડ પર આવેલા પીએન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં રેડ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓ ફેક્ટરી માલિકે મુખ્ય ગેટ ન ખોલતા મુખ્ય દરવાજો અને કંપાઉન્ડવોલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. અંદર તપાસ કરતા ફેક્ટરીમાં વિવિધ બ્રાન્ડના નામે આખાદ્ય ઘી પેકિંગ કરવામાં આવતું હતું. જેથી ફૂડ વિભાગ દ્વારા આ ઘીના સેમ્પલો લઈ આ શંકાસ્પદ ઘીની 25 પેટીઓ તેમજ 4700 પાઉચ જેટલો જથ્થો સીઝ કર્યો હતો.

શુદ્ધ ગાયના ઘીના નામે વનસ્પતિ તેલમાં એસેન્સ કેમિકલ વગેરે ભેળવીને આ ઘી બનાવી બજારમાં ગાયના શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કુલ રૂપિયા 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા.